કોઈ વખત જરીક દેખાઈ આવી કુતૂહળ ખેંચી કલ્પના પ્રકટતું તેનું કૃશોદર સર્વના દૃષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું – પ્રફુલ્લ થતું – હોય તેમ સ્કુરવા માંડ્યું. તેની ઉરધરામાં ધરતીકંપ થતો હોય તેવા કમ્પાયમાન અને નૃત્યથી આગળ પાછળ ધસતા સ્તનમંડળ પર ચ્હડી સર્વની આંખો થાક્યા જેવી થઈ ગઈ – સર્વેનાં અંતઃકરણ શ્વાસથી ભરાઈ ગયાં લાગ્યાં – સળગતા જણાયાં. ફણાધરના ફણાકમળ પેઠે મુખકમળ ડોલવા લાગ્યું અને તેના ચારેપાસ પ્રસરતા વિષમય ઉચ્છાસથી સર્વેને લ્હેર આવવા લાગી. સ્ત્રી જેવા પુરુષવર્ગને પુરુષ જેવી સ્ત્રી આંગળીનાં ટેરવાંવડે રમાડવા લાગી. તેનું સર્વ નૃત્ય અને ગાન, હાથમાં, હાડકાં વિનાની હોય તેમ સર્વ પાસ વળી જતી મરડાઈ જતી હાથેલીમાં, અને હાથની નાજુક આંગળીયોમાં, મૂર્તિમાન થઈ ગયું. એટલામાં અંત:કરણના કુત્રિમ ઉભરાનાં મોજાં ઓઠપર આવવા લાગ્યા, ઓઠ સ્ફુરવા લાગ્યા, મ્હોં પહોળું થતું હોય એમ આભાસ થવા લાગ્યો, કોમળ ગોરા ઉજળા ગાલ પ્રફુલ્લ થવા લાગ્યા અને સઉએ જાણ્યું કે અંહી સુધી ગાન આવી પહોંચ્યું છે. એટલામાં તણાઈ જતી આંખ વિકસવા માંડી, મ્હોં પણ વિકસ્યું, અને શબ્દનું બાકી રહી જતું હોય તેમ ગાનરૂપે તે નીકળવા લાગ્યા અને નૃત્ય પણ સર્વાંગે ખીલવા લાગ્યું. હાવભાવમાં જણાઈ આવતા વિકા૨ ગાનમાં ચ્હડી આવ્યા.
- “અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે ! ( ધ્રુવ )
- "દૈયા મેં દુપ્પેરકો આઈ બીત ગઈ જુગ જામ વે: અબ૦
- “સીસ લરેગી, મોકું પીયું પુછેગો, લોક કરે બદલામ વે: અબ૦”
સર્વ મંડળનાં મન નૃત્ય કરવા લાગ્યાં, ગાનવશ થઈ ગયાં, તાલ દેવા લાગ્યાં. ભૂપસિંહ પણ સર્વના જેવો જ દેખાવ ધારણ કરી રહ્યો હતો. પરંતુ તે હવે અધીરા જેવો થઈ જવા લાગ્યો. અને મનમાં બડબડ્યોઃ “રાંડ, જાને જા, કાલ જતી હોય તો આજ જા.” એટલામાં ગાનની છેલ્લી કડી આવી:
- “દયાપ્રીતમ ક્હે, સુન મેરી પ્યારી અબ ઈહ કરો બીસ૨ામ વે,
- “અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે !”
કોણ જાણે શું ભૂત ભરાયું તે રાણાથી શાંત ગંભીર રહેવાયું નહી અને એકદમ ઉઠ્યો. સર્વ સભા આ અતર્કિત બનાવથી આશ્ચર્ય અને ચિંતામાં પડી. રાણો જે દ્વારેથી આવ્યો હતો તેમાં જ પાછો પેઠો. “નીઘા રખો મ્હેરબાન”ની બુમ ઉપરાઉપરી પડવા માંડી અને ઉઠી જતા, વેરાતા, ટોળે મળતા, પુછાપુછ ક૨તા, ગરબડાટ મચાવતા સભાજનના શોરબકોરમાં ચોપદારોને પોકાર ડુબી ગયો. રાણાની પાછળ દ્વારમાં બુદ્ધિધન, શઠરાય,