લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮

અને બીજા મુખ્ય અમલદારોનો ધસારો થયો અને ભીંડાભીંડમાં માન અપમાન કે પદવીનું ભાન કોઈને રહ્યું નહી. રંગમાં ભંગ પામેલી નૃત્ય કરતી બંધ પડી સર્વની વચ્ચે કલાવતી ઉભી રહી અને બીજી નાયકાઓ ઉઠી; તે કોઈને ન દેખતા જેવા – ન ગણતા - લોક ધક્કા મારી અથવા તેમના પર નજર પડતાં સંકોચાઈ આમ તેમ ચાલવા માંડ્યા. ભીંડમાં બુદ્ધિધનની આંખ આગળથી જુદા પડેલો પણ તેની આંગળીયે વળગેલો નવીનચંદ્ર પણ અમાત્યની પાછળ ગયો. અને સંસારમાં આવા બનાવ કેટલા બનતા હશે તે વિચારમાં – ભરભીંડ વચ્ચે ઉભો - ઉભો – પડતાં, આગળ નજર રાખવી ચુકી જતાં પોતાની અને અમાત્યની વચ્ચે આવી જનારના ધક્કા ખાતો અમાત્યના હાથના બળથી ઘસડાતો અને ધક્કા ખાઈ વિચારસ્વપ્નમાંથી જાગતો, સર્વ પ્રવાહનો એક ભાગ બની, એ પણ આખરે ચાલ્યો.

રાણાને બેસવાના ખંડમાં તેના સિંહાસન પાછળના દ્વારમાં થઈ દાદરે ઉતરી આ સર્વ મંડળ ભરાયું. એ ખંડ સો દ્‌હોડસો માણસો માય તેટલો હતો. તેમાં ચારેપાસ ઉંચી શેતરંજી પાથરી દીધી હતી. વચ્ચે એક ન્હાનું ઝુમર અને બાકીની હાંડીઓ લટકાવી હતી; પુરાણનાં, જયપુરી ચિત્રોના, ઈંગ્રેજી ચિત્રોના, ચીનાઈ ચિત્રોના, અને સાદી પણ સોનેરી ઘરના ચારે પાસ તકતાઓ હતા. એ શિવાય ભીંતો ઉપર બબ્બે ત્રણત્રણ વાલસેટોનાં જોડાં ચ્હોડ્યાં હતાં. એક પાસ પોતાની મેળે કેટલાક રાગ ગાતું ઈંગ્રેજી વાજું એક સુંદર અર્ધગોળ ટેબલ પર મુક્યું હતું. બીજી પાસ ભૂપસિંહની પોતાની સર્વાંગી મ્હોટી છબી હાથની ક્‌હાડેલી અને રંગેલી હતી. તેની સામેની ભીંતે અઠીંગી એક મ્હોટો લંબગોળ તકીયો અને ચોખંડી ગાદી પાથર્યાં હતાં. અને તે ઉપર કીનખાબી કપડું ચાદરને ઠેકાણે પાથર્યું હતું. ભૂપસિંહ એ ગાદીતકીયે ઓઠ કરડતો લાંબા પગ નાંખી પડ્યો. રુપાસુનેરી - ગંગાજમનાની ભાતવાળો – હુક્કો આવ્યો તે તે પીવા મંડ્યો અને બીજા સર્વ આાસપાસ શેતરંજી પર ગોઠવાઈ બેસી ગયા.

“મહારાણા ! અધિરાજ ! શું કાંઈ આપની પ્રકૃતિ સ્વસ્થ નથી ?” હાથ જોડી શઠરાયે પુછ્યું અને ઉત્તર જાણવા તેની આતુરતા સર્વસામાન્ય જણાઈ.

“કામદાર ! હા. એવું કાંઈ છે.” હુક્કાની નળી તથા વરાળ મ્હોંમાંથી ક્‌હાડતાં ક્‌હાડતાં ઉશ્કેરાયલા જેવો રાણો બોલ્યો. વળી નળીમાંથી એક ઘુંટડો ભરી બોલ્યો: “મ્હારે અત્યારે જરી એકાંત જોઈએ છીયે.” સર્વ મંડળ એકદમ ઉઠ્યું અને ભીંડાભીંડ કરતું બારણા બહાર ચાલ્યું.