“આ તમારો દુષ્ટરાય કલાવતીની સાથે મ્હારા મ્હેલ વચ્ચે ગેલ કરતો હતો – મ્હારી આંખમાં ધુળ નાંખીને !”
“હેં ! ક્યારે ? – રાણાજી – યાદ હશે કે મ્હેં આપને પ્રથમથી કહ્યું હતું કે એ ગણિકા કોઈની નહી.”
“હા, ભાઈ હા. તમારાં કહ્યાં તે હું કેટલાં સંભારું ? આજ સુધીમાં તમારી કહેલી અનેક વાતો ખરી પડી હશે, પણ અમારા લોકનાં ચિત્ત જ ઠેકાણે નહીં ને ! એ દોષ દૈવનો. પણ હું તો આજ એને પુરાં કરત – આ નરભેરામે અટકાવ્યો – એ ખરેખર તમારો જ માણસ છે કે નહી એ બાબત હજી મ્હારા મનમાં વહેમ છે - હવે એ સાળી રંડી મ્હારા દરબારમાં ગાય તે હું કેટલીવાર જોઈ રહું ? - બુદ્ધિધનભાઈ, મ્હારે તો હવે એ બેનું કાટલું કરવું – મ્હારી આંખમાં ખુન ભરાયું છે - મ્હારાથી તો દરબારમાં ર્હેવાયું નહી – હવે તમારે તરત કાંઈ કરવું જોઈએ – હું તો દરબારમાંથી એટલા વાસ્તે જ ઉઠ્યો – હવે ઢીલ કરશો તો મ્હારે તમારે નહીં બને !” હુક્કો ઘડીકમાં પીતો, ઘડીક મુકી દેતો, પગ લાંબા કરતો અને વાળતો, ગાદી પર ઘડીક પડતો અને ઘડીક ટટાર બેસતો, અસ્વસ્થ રાણો બુદ્ધિધનને આશાનું નિમિત્ત થઈ પડ્યો પણ – હજી “પણ ” હતું – હજી શઠરાયને શું કહ્યું તે વાત અમાત્ય પાસે ક્હાડી નહીં એ શંકાકંટક રહ્યો.
“રાણાજી, જે ઉપાય મ્હારી પાસે માગો છો તે આપના હાથમાં છે, હું આપનો ઈચ્છાધીન સેવક છું.”
“હા, હા, પણ શું કરવું ધાર્યું ? એ સાળો દુષ્ટરાય ક્યાં નાસી ગયો ?”
“શઠરાય બ્હાર એ જ ચિંતામાં છે અને દુષ્ટરાયને તેડવા માણસો ઉપરાઉપરી મોકલે છે.”
“વારું – પણું તમે શું ધાર્યું ?”
રાણાની પાસે પુરો ભરમ ફોડવો એ હજી નિર્ભય ન લાગ્યું. “મહારાણા, રામભાઉ આવ્યા છે – એક કાગળ તો આપે વાંચ્યો છે. બીજા લખોટા હજી ફોડવાના છે. શઠરાયનું ઔષધ એમાંથી નીકળશે એવી હું આશા રાખું છું.”
"કેવી રીતે?"
“મ્હારે ને સાહેબને થયેલી વાત આપને ખબર છે. હવે આજ કાગળમાં એ વીશે શું લખ્યું હશે વાંચ્યા વિના રીતે જણાય ? પણ આપની ઈચ્છા જયવંત થશે જ.”