“પણ આ કલાવતીનું હાંલ્લુ તો આજ ફોડવું જ અને બેને ગધેડે
બેસાડવાં ! હા.”
“હું આપને સાન કરીશ એટલે એ વાત ઉપાડજો.”
“પણ અાજ જ.”
"હા, જી, હા !”
એટલામાં એક અંતર્દ્વાર ઉઘાડી હાંફતો હાંફતો મ્હાવો આવ્યો: રાણો ગુસ્સે થયો.
“મ્હાવા ! હરામખોર, ખબર નથી કે આ એકાંત ચાલે છે?”
“હાજી, મને ખબર છે અને એટલા વાસ્તે જ આવ્યો છું. રાણાજીની વાત એ લોકમાં થાય તેના કરતાં એકાંતમાં જ એનો છેડો આવે તો સારું એ આપના સેવકજન ઈચ્છે.”
બુદ્ધિધને ભયથી ડોકું ફેરવી પાછું જેયું. મ્હાવાના હાથમાં કાગળનો બીડો દીઠો, મ્હાવાએ તે રાણાના પગ પર નાંખ્યો અને હાથ જોડી ઉભો રહ્યો. રાણાએ કાગળ વાંચવા માંડ્યા, અને કપાળ પર ભ્રુકુટિ ચ્હડાવવા માંડી. બુદ્ધિધને પુછ્યું.
"મ્હાવા, શું છે ? ”
“ભાઈસાહેબ, રાણાજી પાસે કાગળો છતાં ઉત્તર આપવા મને ગરીબને શો અધિકાર ? અાપ જ રાણાજીના વિશ્વાસુ ક્યાં નથી ? ”
“બહુ સારું.” બુદ્ધિધને રાણા ભણી જોયું. રાજબા બાબતનાં કાગળ ઓળખ્યા. ઉત્તરમાં મ્હાવાયે તિરસ્કારભરી દૃષ્ટિ નાંખી. તેની અાંખને, અમાત્યના અધિકારને સન્નિપાત થયો સ્પષ્ટ લાગ્યો. રાણાએ કાગળો અમાત્ય ઉપર ફેંક્યા.
“કેવું તરકટ ! મ્હાવા, તને ફાંસીએ લટકાવવો જેઈએ. મ્હારા વિશ્વાસુ અમાત્ય ઉપર આવો આરોપ આણતાં તને શરમ ન આવી? બ્હીક ન લાગી ? શું હું એમ જાણ્યું કે રાણો એટલો ભોળો છે કે આથી ઠગાશે ? પ્રિય બુદ્ધિધન, અા દુષ્ટ કાગળો જોઈ તમે રજ ગભરાશે નહી !”
મ્હાવો હસીને બોલ્યો: “ દીનાનાથ ! રંકનું બોલ્યું રંક. મ્હારી તાકાત શી કે આ કાગળો ખોટા હોય ને હું આપની પાસે લાવું ? અમાત્ય અાપના વિશ્વાસુ છે તેમ મ્હાર પર પણ એમના ઉપકાર છે. પરંતુ આપનો ઉપકાર અત્યંત છે. આપના પ્રત્યે મ્હારો ધર્મ વિશેષ એવી મ્હારી સમજણ ન હત તો અમાત્યના ઉપકારનો બદલો હું આમ ન વાળત. આ કામ ' કરતાં મ્હારે મ્હારા મનનું કેટલું સમાધાન કરવું પડ્યું તે ઈશ્વર જ જાણે છે.”