બુદ્ધિધનઃ “સમરસેન, તું બીજા માણસો લઈ આ સુરંગનું મૂળ શોધી ક્હાડ. જોજે, સંભાળીને જજે. રાણાજી, આ જમાલ અને રણજીતને વિજયસેનને સોંપો. એમની ખાનગી તપાસ એકાંતમાં થશે –, કેમ, કામદાર સાહેબ ?” બુદ્ધિધને ચારેપાસ જોવા માંડ્યું.
ઉભેલા મંડળની પાછળથી બેઠેલા શઠરાયે ઉંડાણમાંથી જવાબ આપ્યો “હાં !"
“આવો, આવો, કામદાર, પાછળ કેમ બેઠા છો ? આજ કેમ આમ છે ?” રાણાએ શઠરાયનો સ્વર આવ્યો તેણી પાસ નજર કરી કહ્યું. સઉ ખશી ગયા અને માણસોની ઠઠની ભીંતો વચ્ચે રાણા પાસેથી તે શઠરાય બેઠો હતો ત્યાં સુધી એક સાંકડી ગલી બની. રાણાએ શઠરાયભણી ચાલવા માંડ્યું. ભોંયરામાંથી જમાલ નીકળ્યો અને શઠરાય આમ મંદ બન્યો તે જોઈ સર્વ તર્કારૂઢ થયા. આખરે શઠરાય ઉઠ્યો અને મંદગતિથી વ્હીલે મ્હોંયે રાણા ભણી આવવા માંડ્યું. તેને ઉઠતાં કાંઈ એવી વાર લાગી ન હતી, ચાલવામાં કાંઈ અસાધારણ મંદતા હતી નહી, અને તેના મુખની ક્લાંતિ હમેશાં ધ્યાન ખેંચે એવી ન હતી. પણ એની રોજની ચપળતા અને આજનો બનાવ સરખાવી સર્વેના મનમાં સ્વયંભૂ સૂચનાઓ ઉત્પન્ન થઈ આવી અને ૨જપૂત તેના ભણી જે સભ્યતા દર્શાવતો હતો તેમાં સર્વેને ભયંકર કૃત્રિમતા લાગવા માંડી. છાતી ક્હાડી જમણો હાથ લાંબો કરી રાણાએ કારભારીનો હાથ પકડ્યો અને બોલ્યોઃ
“મ્હારા અનુભવી રાજભક્ત કામદાર, આજ તમારી મદદની ખરેખરી અગત્ય છે. તમને ખબર છે કે–” (બુદ્ધિધન ભણી નજર કરી) “ અમારાં જુના સ્નેહીયોપર વિશ્વાસ રાખવાનો વખત રહ્યો નથી. ત્યારે, તમે આમ મન્દ રહેશો તો અમારે કોને શોધવા જવું ? જુવો, આ તરકટનો ભાવાર્થ શોધો, બોલાવો દુષ્ટરાયને.” કામદારનો હાથ ઝાલી રાખી તેની આંખ ભણી શકરાબાજના જેવી – ગરુડના જેવી – તીણી દૃષ્ટિથી ૨જપુત જોઈ રહ્યો.
“આહા ! વિશ્વાસુ કારભારીયોનો ખપ આવે પ્રસંગે જ પડે છે - તેમની કીમ્મત આવે સમયે જ જણાય છે !” મુછ આમળતો રાજા બોલ્યો.
રાણાનો અક્કેકો બોલ કારભારીને અંતર્માંથી ઉભો ને ઉભો બાળી મુકવા લાગ્યો; અક્કેકો અક્ષર તેને અકકેકા, પળે પળે દેવાતા, વિષદંષ જેવા, ચાટકા દેવા લાગ્યો; તેને આભ અને ધરા એક થયાં લાગ્યાં; પોતાના સર્વે મંડળમાં પોતાનું કોણ તે તેને ન સુઝ્યું. આખરે તેનું પોતાનું માણસ નીકળી આવ્યું.