પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮


નરભેરામ પાછો આવ્યો હતો અને કેટલીક વાર થયાં કરવતરાયના કાનમાં કાંઈ લાંબી વાત કહ્યાં કરતો હતો. એ વાત થઈ રહી અને નરભેરામે ન્યાયાધીશનો કાન મુક્ત કર્યો એટલે કરવતરાયની દૃષ્ટિ શઠરાયપર પડી અને ભાઈની વિષદ અવસ્થા દેખી ભાઈ વહારે ધાયો.

ક૨વતરાયની પ્રપંચશક્તિ શઠરાયના જેવી ન હતી. તે દેખાવમાં પ્રતાપી ઓછો પણ કદાવર વધારે હતો. શઠરાયને કપાળે કરચલીઓ વળી હતી, તેને ધોળાં આવ્યાં હતાં, અને ઉતરતી અવસ્થા શરીર પર બેઠી હતી. કરવતરાય હજી દેખાવે જુવાન અને મજબુત હતો. તેની મુછોના થોભીયા ફક્કડ અને કાળાં ભમ્મર હોવા છતાં કંઈ કંઈ ધોળાશ આવી હતી તેના પર કલફ મજબુત લગાડ્યો હતો. તેની હીમ્મત શઠરાયના કરતાં ઘણી વધારે હતી અને મ્હોટા ભાઈના કરતાં મન ઓછું તાર્કિક હોવાથી દુ:ખ સહેવાની શક્તિ વધારે ધરતું હતું. એની આંખમાં શરમનો લેશ પણ ન હતો, હૃદય દયા અને ઉપકારને ઓળખતું ન હતું. બુદ્ધિ સત્ય અને ન્યાયે ચાલવાનું કારણ સમજતી ન હતી. આવું છતાં તેનું મન કુટુંબવત્સલ વધારે હતું અને ભાઈની અવસ્થા જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું; બધા સમજ્યા એટલું તો સમજ્યો પણ ભાઈને થયા હતા તેનાથી અધર્મ પણ વિચાર પોતાને થયા ન હતા એટલે “શું થનાર છે ?” એ વિચારથી મન મજબુત રહ્યું, અને ભાઈને પડખે આવી ઉભો. અને ભાઈના સામું જોઈ પછી રાણાના સામું જોઈ બોલ્યો:

“પ્રતાપી મહારાણા, આ રાજદ્રોહ તરકટ થોડીવારમાં આપણી પોલીસ શોધી ક્‌હાડશે અને અપરાધીયો કઠણ સજા ભોગવશે. આપના ચરણના પ્રતાપથી આ સર્વ પરિણામ પળવારમાં થયું સમજો, સુવર્ણપુરના મહારાણાના શત્રુ નાશ પામશે જ.”

“નિસંશય એમ થવાનું જ !” ભાઈને જોઈ કારભારીને બોલવાની શક્તિ આવી.

“ત્યારે બોલાવો દુષ્ટરાયને ! બુદ્ધિધન, લક્ષમાં રાખજો જે કારભારી ક્‌હે છે તે રાણાના શત્રુ નાશ પામશે !” ડોકું ધુણાવી રાણો કારભારી સાથે હસ્યો.

સ્મિત કરી અમાત્ય બોલ્યો, “રાણાજી, આપ તો નાશ પામશે કહો છો પણ હું તો એમ જ જાણું છું કે તેઓ નષ્ટ થયા જ.”

“દુષ્ટરાય ક્યાં ? – બુદ્ધિધન સરત રાખજો – રાજાઓની આગળ બોલેલા બોલ કરેલાં કામના કરતાં વધારે ભારે થઈ પડે છે.”

"નિઃસંશય !"