લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩

એ જ માલ બધી વાત જાણે છે – એને પુછજો – માબાપ, હવે મને જવા દ્યો – મને વધારે ન પુછશો – સઉ જમાલ ક્‌હેશે.”

“હરામખોર ! – લેઈ જાઓ એને વિજયસેન !”

“મહારાણા, પણ ફરીયાદી કરવા આવીયે ત્યારે સજા થાય એવો આપનો ધારો હોય તો મ્હેં ભુલ કરી – હવે નહી ફરીયાદી કરું ! આપ લોકને પાળનાર છો. મને ઘેર જવા દ્યો – આપના કેદખાના કરતાં મ્હારું ઘર સારું છે. પોલીસનાં માણસ મને કનડશે તો જે થશે તે ખરું પણ મ્હેં એવો ગુન્હો નથી કર્યો કે મને કેદ કરો.”

હીમ્મતવાન બોલકણા મેરુલાને જોઈ ૨ાણો વિસ્મય પામ્યો. “જા જા, ઘેર જા. વિજયસેન, એને ઘેર જવા દે અને એની ફરીયાદની તપાસ કરવાનું તને સોંપું છું.”

મેરુલેો સલામ કરી ગયો.

“જોયું, કામદાર, શા લુચ્ચાં માણસો હોય છે ? ઘરમાં – રાજયમાં – માણસો રાખવાં તે વિશ્વાસુ ને બુનીયાત હોવાં જોઈએ – નીકર આવું થાય. મ્હારા વિશ્વાસુ અમલદારો સામે આવું તહોમત મુકતાં એની જીભ ન કપાઈ ! ધણીનું ઘર ફોડતાં એનું કાળજું કેમ ચાલ્યું ? આશ્ચર્ય છે કે તમારા જેવાનું લુણ ખાઈ તેનો ગુણ એનામાં ન આવ્યો:” કરી રાણો ભમ્મર ચ્હડાવી ગંભીર બની કારભારી સામું જોઈ રહ્યો.

એટલામાં રામભાઉ અને તર્કપ્રસાદ પાછા આવ્યા. શઠરાયે જોયું કે રામભાઉને લાંચ આપવાનો અવસર હવે ગયો હતો. વાણીયો કેદખાનામાં રામભાઉને મળ્યો હતો અને સર્વ હકીકત કહી હતી. વાણીયાની બાબતમાં સાહેબની એકલાની જ આંખમાં ધુળ નાંખવાની હતી તો લાંચ આપવી એ સ્હેલી વાત હતી. અને એમ જાણીને જ એની કલ્પના કરવામાં અાવી હતી. પણ હવે તો એ બનાવનો લાભ લેવા રાણો જ તત્પર થશે એ શઠરાય સમજયો. નિ:શ્વાસ મુકી તેણે મનમાં વિચાર કર્યો: “આભ ફાટયું ત્યાં થીંગડા નકામાં. રામભાઉ ગયો ત્યારે જુદી અવસ્થા દેખાતી હતી – હું કારભારી હતો. હવે એ અવસ્થા બદલાઈ - શઠરાય ! પઈસા ખરચ્યે છુટકો થાય એ વખત ગયો.” રામભાઉ વાણીયા બાબત શઠરાયને અને કરવતરાયને માથે તહોમત મુકી બોલ્યો:

“રાણાજી, સાહેબને આપની બાબત ઘણો ઉંચો અભિપ્રાય છે. પણ