રજા માગું છું કે રસલસાહેબ જેવા સારા સાહેબ ૨જવાડામાં ક્વચિત જ આવતા હશે, અને તેમને દરેક અક્ષર સોનાના મુલનો માનજો. સાહેબને આપના અમાત્ય સારી રીતે ઓળખે છે અને હું કહું છું તે કેટલા પ્રમાણમાં ખરું છે તે વાત મ્હારા કરતાં વધારે છટાથી, વધારે શક્તિથી, અને વધારે અનુભવથી આપના એ વિશ્વાસુ અમાત્ય કહી શકશે. એ સાહેબે એજંસીમાં નોકરી કરી છે, આપના હાથનીચે પણ નોકરી કરી છે, સાહેબ એમને સારી રીતે ઓળખે છે, અને એમના ઉપર આપનો વિશ્વાસ છે તે એજંટસાહેબ યોગ્ય માને છે. એવાં માણસો છે ત્યાંસુધી આપનું અને આપના રાજ્યનું કલ્યાણ છે એમ સાહેબ માને છે અને સાહેબની શીખામણ પ્રમાણે વર્તવાથી કેટલો લાભ છે તે અમાત્ય સાહેબ ક્હી શકશે. તે સર્વે સાંભળવું, ન સાંભળવું એ આપની મુખત્યારીની વાત છે. અને એ મુખત્યારીને અંગે સારાં નરસાં પરિણામનું જોખમ અાપને જ વ્હોરવાનું છે. અમે તો માત્ર બોલવાના અધિકારી. રાજ્યની લગામ આપના હાથમાં છે અને પરિણામની લગામ ઈશ્વરના હાથમાં છે. સદ્બુદ્ધિવાળાને ઈશ્વરની લગામ કદી ખુંચતી નથી. મ્હારે હવે કાંઈ કહેવાનું બાકી રહેતું નથી. કામદારસાહેબ, મ્હા૨ાઉપર ખોટું લગાડશે નહી. હું તો ચીઠ્ઠીનો ચાકર છું.”
ભાષણ પુરું થઈ રહ્યું. સર્વ મંડળ ચિત્રપેઠે સ્તબ્ધ થઈ ગયું હતું તેવું જ પળવાર રહ્યું, અને પોતાના સીપાઈના હાથમાં નેતરની પેટી હતી તેમાંથી ન્યુસપેપરો અને અ૨જીયોના કાગળના થોકડા રામભાઉ રાણાની સાથે ઉભેલા બુદ્ધિધનને આપતો ગયો તેમ તેમ સર્વ અમલદારો એકબીજાના મ્હોં સામું જોવા લાગ્યા, એકબીજાના કાનમાં પ્રશ્નોત્તર કરવા લાગ્યા, અને પોતાના અને પારકાઓના લાભાલાભના વિચાર મનમાં ક૨વા લાગ્યા. આખરે સાહેબના કાગળવાળું એક જરા મ્હોટું ચતુષ્કોણ પરબીડીયું ૨ામભાઉએ આપ્યું તે ફોડી રાણાએ વાંચ્યું અને કાંઈક વિચારમાં પડી ઉત્તર આપ્યો:-
“રામચંદ્રરાવ, સાહેબ મ્હારા હિતેચ્છુ છે તે ક્હેવું પડે એમ નથી. આ કાગળમાં જે મમતા એ બતાવે છે તે ઘણી છે. સાહેબની શીખામણ વ્યાજબી છે અને તેનું ખરાપણું સમજાય એવા બનાવો આજ જ મ્હારા ૨ાજ્યમાં બન્યા છે તેથી મ્હારી આંખ ઉઘડી છે. હું દીલગીર છું કે મ્હારા વિશ્વાસનું દાન અપાત્રે થયું નીવડ્યું. તમે ઉતારે જાઓ અને જમો. કલાક બે કલાકમાં હું ઉત્તર મોકલીશ.” રામભાઉ સલામ કરી ગયો.
શઠરાય નીચું જોઈ રહ્યો હતો. બુદ્ધિધન રાણાનો હુકમ સાંભળવા