લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬

તેના સામું જોઈ રહ્યો હતો. બીજા સર્વ અમલદારો રાણાના મ્હોંમાંથી શા અક્ષર નીકળે છે તેની વાટ જોતા હતા. કપાળે, આંખોપર, અને આખરે મુછો પર હાથ ફેરવી રાણે બોલ્યો:

“બુદ્ધિધન, મ્હારું મગજ આજ ગુંચવાઈ ગયું છે. કામદાર, હું બહુ દીલગીર છું. આ કાગળો અને છાપાં જોવાઈ રહે, તેમાં લખેલી બાબતોની તપાસ થાય, મ્હારા મ્હેલમાં જે ખટપટ જણાઈ છે તેનો સાર હાથ લાગે ત્યાં સુધી તમારું નસીબ મ્હારા હાથમાં નથી. પણ હવે મ્હારે ભરમ ફોડવો જોઈએ. તમે અને તમારું મંડળ અતિ દુષ્ટ છે - એમાં કાંઈ સંશય નથી. બુદ્ધિધનનો વિનાશ કરવા મ્હાવાયે જે કાગળો મને આપ્યા છે તે ખોટા છે, તે કોણે લખ્યા છે, અને તે પ્રપંચનું મૂળ તમે છો એ હું સારી રીતે જાણું છું અને તેને વાસ્તે તમને શિક્ષા થવી જોઈશું. હું બહુ જ દીલગીર છું - મને તમારા ઉપર ઘણો જ ક્રોધ ચ્હડે છે. અરે રે, માણસ માણસમાં શું ફેર હોય છે ? ક્યાં બુદ્ધિધન અને ક્યાં તમે ? શું મ્હેં તમારું ઓછું સારું કર્યું છે ? શું મ્હેં તમને કોઈ વાતમાં ન્યૂનતા રાખી છે ? તમારા ઉપર વિશ્વાસ કેટલો રાખેલો ? તેનું ફળ આવું ન ઘટે !” એમ કહી માથું મંદ કંપાવ્યું.

“બસ, હવે મને દયા નથી. બુદ્ધિધન, દયા રાખવાની, નરમાશ રાખવાની, વેર ભુલી જવાની, અપકારને સટે ઉપકાર કરવાની, અને એવી હજારો શીખામણો તમે દીધેલી તે મ્હારો ક્ષત્રિયનો સ્વભાવ ભુલી – વશ કરી – આજ સુધી મ્હેં માની. પણ હવે તે થનાર નથી. અરે રે ! જે માણસને બચાવવા તમે આટલો શ્રમ લીધો તે જ માણસ અતિ-નીચ રીતે તમારો નાશ કરવા પ્રપંચ રચે એ કેવી વાત ! એ તો સારું છે કે ઈશ્વર મને સારી બુદ્ધિ આપે છે. નીકર તમારું શું થાત ? અરે, એટલાથી જ આ રાક્ષસને સંતોષ નથી વળ્યો, પણ કમઅક્કલે મ્હારા મ્હેલમાં – મને પોતાને – બસ, એ વાત હું નથી ક્‌હેતો. કોણ એવો આંધળો છે જે તે આ સર્વ જોઈ શકતો નથી ? અમલદારો, જે ડાહ્યા હો તો દેખો છે તે ઉપરથી શીખામણ લેજો. તમારો રાણો બીજા રાણાઓ જેવો આંધળો નથી. પણ એ પોતાની આંખે દેખે છે. ભલા બીચારા રસલસાહેબ ! એ જાણે છે કે શઠરાયે રાણાની આંખમાં ધુળ નાંખી છે, પણ જાણતા નથી કે સઉ જાણતાં છતાં રાણાએ ગમ ખાધી છે. મ્હારી ગરીબડી પ્રજા ઉપર વીતતો જુલમ મને અંધારામાં નથી ગયો, પણ એ તો