લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭

આ બુદ્ધિધન હોય નહી અને શઠરાય આજ સુધી કારભાર કરે નહી. પણ હવે તો બસ ! પાપનો ઘડો ભરાયો અને મેળે જ ફુટ્યો. હવે બુદ્ધિધન, હું તમારું કહ્યું નહી માનું.”

“ વિજયસેન ! વિજયસેન ! કામદાર અને એના ભાઈ અા કરવતને કાચી જેલમાં ત્હારા કબજામાં રાખ. પેલા નીચ દુષ્ટરાયને પણ પકડી અાણ અને ત્રણે જણને જુદા જુદા રાખ. ખબડદાર, જો કોઈ પણ છુટવા – અથવા કોઈની સાથે વાત કરવા –પામ્યા તો ! ત્હારું પોતાનું માથું જેખમમાં નાંખવું હોય તો તેમ થવા દેજે. એ બેના ઘર પર તાળાં લગાવ અને સખત જાપતો કર.”

બુદ્ધિધન અચિંત્યો રાણાને પગે પડ્યો અને હાથ જોડી બોલી ઉઠ્યોઃ “દીનાનાથ ! એક વિનંતિ છે–”

“અરે ઉઠો, આ નાટક વળી શું ક્‌હાડ્યું ? ઉભા ઉભા માગો ને કરો જોઈએ તેટલી વિનંતીઓ, કોણ ના ક્‌હે છે ? ”– એમ કહી રાણાએ અમાત્યનો હાથ ઉંચો ખેંચવા માંડ્યો.

“ના, રાણાજી, ના; વિનંતિ સાંભળો અને સ્વીકારો; પછી ઉઠીશ. મ્હારા જાતભાઈ – અાઘેના પણ મ્હારા સગા - આ ગૃહસ્થોનો જેલમાં - ધર્મ સચવાય નહી એવે ઠેકાણે મોકલવા ન ઘટે. એમના જેવાં આપને થવું નથી ઘટતું !”

“બહુ સારું. બહુ સારું. એમ કરો - વિજયસેન, જા એમને બીજે કોઈ ઠેકાણે પણ જાસાબંધ રાખજે અને એમને ખાવા પીવાનો ! બંદોબસ્ત બરોબર કરજે. કેમ, હવે કાંઈ જોઈએ બીજું – એમને જલેબી ઘેબર ખાવાનો બંદોબસ્ત કરીચે ક્‌હો તો !"

“ના, રાણાજી, એટલી કૃપા હાલ બસ. પછીની વાત પછી.”

રાણો : “વિજયસેન, પેલી રાંડ દુષ્ટ કલાવતીને પકડો અને ઘસડીને એને તો નક્કી જેલમાં લઈ જાઓ. એનાં ભારે કસબી વસ્ત્ર ધુળમાં ઘસડાય, એનાં ઘરેણાં વેરણછેરણ થઈ રસ્તામાં પડે અને ભીખારા રંક લોકને જડે – એવું એવું જોવાને મ્હારી મરજી થઈ છે. વિજયસેન, નીચમાં નીચ – કાળામાં કાળો – કદ્‌રૂપામાં કદ્‌રૂપો અને ગંદામાં ગંદા કોઈ ગોલો અથવા ઢેડો – એ રાંડને આખે શરીરે, મ્હોં પર, અને વાળમાં ધુળ ભરો, રાખ ભરો, અને કાજળ ચોપડે એ હું જોઈશ. અને આ બીજા જે જે લુચ્ચાઓ છે તેમને પણ કબજામાં રાખવા. બધાની તપાસ અને બધાનો ઈનસાફ થશે.”