“જયમલ !” – જયમલ પાસે આવતાં રાણાએ કાનમાં કહ્યું;– “એક
ઘણું વસમું કામ તને સોંપુ છું, રાણીનું મ્હોં જોવા હું ઈચ્છતો નથી.
તેને આપણા જુના મ્હેલમાં લઈ જવી અને ત્યાં જ રાખવી.”
"બુદ્ધિધન, તમે ચાલો મ્હારી સાથે. આ સર્વ ગુંચવારામાંથી છુટવા સારુ બાંધછોડ કરવાને હવે મ્હારે તમે જ રહ્યા.”
“અમલદારો, આજ મ્હારો જન્મદિવસ છે તે તમને ખબર છે. એ દિવસનો આરંભ અાજ ખુશાલીમાં ન ગયો, પણ–હરકત નહી. આજના કામથી મ્હારી જુલમમાંથી છુટેલી પ્રજા આ બનાવોથી આનંદ પામશે અને તે મ્હારે મન ઉત્સવ જ છે. વળી પાંચ વાગ્યાનો દરબાર રીતસર ભરાશે અને તે વખત હું તમને પૂર્ણ ઉત્સવનું કારણ આપીશ. એ ઘાટ કેમ ઉતારવો તે હું અને અમાત્ય અત્યારે એકાંતમાં જઈ વિચારીયે છીયે.”
“શઠરાય, આપણે હવે જુદાં થવું પડે છે. હું દીલગીર છું પણ મ્હારો દોષ ક્હાડી ઈશ્વરના વધારે અપરાધી ન બનશો. સારું પ્રારબ્ધ સંચિત કરવાનો અવકાશ ઈશ્વરના રાજ્યમાં સદૈવ છે.”
રાણો અમાત્યને આંગળીયે લઈ ચાલ્યો અને સઉને અદ્રશ્ય થયો. પોતે અદ્રશ્ય થતાં થતાં બુદ્ધિધને પ્રમાદધન અને નવીનચંદ્રને ઘેર જવા સાન કરી.
રાણાના તત્ત્વત: સત્ય અક્ષરને મનમાં પણ ઉત્તર દેવાની શક્તિ શઠરાયે અનુભવી નહી. તેના શરીર પર એનાં એ વસ્ત્ર હતાં, તેનાં અવયવો પણ એનાં એ હતાં, તે પોતે પણ એનો એ હતો. તે પણ સુવર્ણપુરના રાજય મ્હેલમાં મધ્યાહ્ન સૂર્યની પેઠે ઉગ્રરૂપે આવ્યો હતો તે ત્યાંથી નીકળતી વખતે અસ્તકાન્તિ ધ૨વા લાગ્યો. સર્વની અવલોકન વૃત્તિ ઉપર નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો તે પદભ્રષ્ટ થયો. તો પણ હોલાતી વાટને મ્હોંયે ર્હેતા મોગરા પેઠે તેના મુખ ઉપર ગુમાન દેખાતું હતું. એટલું કે સમયને અનુચિત, નિષ્ફલ, નિષ્પ્રકાશ અને નપુંસક હોવાને લીધે એ ગુમાન પર કોઈએ દ્રષ્ટિ ન કરી. આ અસ્તમાન કારભારી ઉપર સઉ ઉદાસીન વૃત્તિથી જોવા લાગ્યા. જે રાજમ્હેલમાં આવી, રાજાઓ, અમલદારો, અને પ્રજા ઉપર તેણે ઘણાંક વર્ષ સુધી અધિકારને અમર માની નિષ્કંટક સત્તા ચલાવી હતી તેની રજા લઈ - તેમાં ફરી ન આવવા સરજેલો – તે શુન્ય ગોઝારો થયો હોય તેવી વૃત્તિ અનુભવતો, તેને પોતાને વાસ્તે લાયંકર અરણ્ય જેવો લેખતો, નીચી દ્રષ્ટિ ઘડી ઘડી પાછી ફેરવતો શઠરાય તેમાંથી નીકળ્યો - નીકળીને એકવાર ઉભો રહી પાછો ફરો નિ:શ્વાસ મુકી ઉંચું જોઈ મ્હેલને નીચેથી શિખર સુધી ન્યાળી ૨હ્યો–