અને આખરે અહીં ઉપરથી અને મનમાં રહ્યું હોય તો ત્યાંથી પણ ગુમાન ઉતરી ગયું, અને એ ગુમાન મ્હેલના અંગનું હોવાને લીધે શઠરાયની જગા લેનારની સેવા કરવા તે લેનારને શોધતું શઠરાયને રાજઉદ્યાનના દ્વાર આગળથી વળાવી પાછું વળ્યું. શઠરાયની આંખમાં આંસુનું એક બિંદુ આવ્યું. વિજયસેને સોંપેલા નવા પરિવારનાં વધારે ત્વરાવાળાં પગલાં જોડે પોતાને દોડવું પડતું હોય એવા શ્રમવિકારના અનુભવમાં આંસુનું એ એક બિંદુ પણ અદ્રશ્ય થયું. સીપાઈએ પોતાના વેગને અનુસરે તેને ઠેકાણે પોતાને સીપાઈઓના વેગને અનુસરવું પડ્યું. આ પરિવાર - વિપરીતતા અનુભવતો વિપરીત દશાનો વિદ્યાર્થી, કારભાર પરિવર્તની વાતો કરતા કરતા લોકની કદીક નજરે પડતાં, તેમની અંગુલિદર્શનનું–ક્ષણિક દયાનું–અને આખરે સંતોષનું પાત્ર થતો થતો, ભાઈ શીવાય બીજા કોઈ સમોવડીયાના સાથ વિનાનો, લોકસંઘમાં પરિવારની મદદથી માર્ગ મેળવતો, રાજઉદ્યાનના દરવાજામાં ઉભેલાઓની વૃષ્ટિને અગોચર થયો. જનતાના વિચારમાંથી પણ તેને ખસેડનાર મળ્યું. તેની બાબતના – પ્રાત:કાળના દરબારના - વિચારો સાંઝે ભરાવાના દરબારના તર્કવિતર્ક આગળ જરી જરી અદ્રશ્ય થવા લાગ્યા.
મ્હેલમાં પેંસતી વખત કલબલાટ મચાવી મુકનાર મંડળ, રાણો અદ્રશ્ય થતાં અંદરથી મધ્યરાત્રિના જેવી શાંતિ મ્હેલમાં ઉત્પન્ન કરી, નીકળ્યું. એક શબ્દ પણ કોઈના મુખમાંથી નીકળતો ન હતો. રામાયણ કે મહાભારત વાંચી ઉઠ્યા હોય અને વિચારલીન થયા હોય તેમ સર્વ ભાસવા લાગ્યા. આખા મંડળના મુખ ઉપર ગંભીરતાની ગંભીર છાપ પડી. મડદું બાળી, રાખ કરી, રોવું કરવું છેડી દઈ સ્મશાનમાંથી પાછા ફરનાર મંડળની પેઠે સર્વે નીકળ્યા અને જમીન પર પડતા અનેક પગના ઘસારા શીવાય કાનમાં બીજો સ્વર જતો ન હતો. એમ શઠરાયની પાછળ અાવ્યા હતા તે એના વિનાના એકલા પાછા ગયા.
સઉની પાછળ નવીનચંદ્ર અને પ્રમાદધન બે ત્રણ સીપાઈઓ સાથે નીકળ્યા. બંને જણનું ભય જતું ર્હેવાથી નિર્ભય થયા હતા અને તેથી તેમના મુખ ઉપર પણ શાંતિ હતી, તેમની સાથે આવેલું મંડળ પણ જુદું પડી ઘેર ચા૯યું.
મ્હેલમાંથી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતોઃ