ક્લાંત કરવામાં નિરંકુશ વર્તતો હતો: અગ્નિના પુલ જેવો રસ્તો તાપનું ઉંચે પ્રતિવમન કરતે હતો, અને માનવીનું ઉકળતું શરીર પરસેવાથી પાણી પાણી થઈ જતું હતું. અંદરની અને બ્હારની અવસ્થાઓએ આમ એકસંપ કર્યો હોવાથી સુકુમાર નવીનચંદ્ર હારી ગયેલા જેવો દેખાવા લાગ્યો. તેના કપાળ પર પરસેવાનાં જાળ બાઝ્યાં અને પાઘડીમાંથી ટપકતા વર્ષાદે તેમાં ઉમેરે કર્યો. તેની આંખો રાતી રાતી થઈ ગઈ અને કુમળા ગાલે પણ એ જ રંગ પકડ્યો. નવીનચંદ્ર, તું આવી દશા શા દુઃખે ભોગવે છે ? અમાત્યનું દુઃખ સફળ થવા વખત આવ્યો હતો. પણ તેમાં કાંઈ એને સ્વાર્થ ન હતો. એવું છતાં અમાત્ય કુટુંબના ઉત્સાહનો પટ એને પણ લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શીખાયું. હા. એ બધું ખરું. પણ હાલ તો થાકેલા મન આગળથી એ ઉત્સાહ – એ જોયા શીખ્યાનો સંતોષ – સર્વ પરોક્ષ થયું. સેંકડો ગાઉ ઉપરનું ઘર – તેમાં અત્યારે શું શું થતું હશે તેના વિચાર માતાપિતા - મિત્ર મંડળ અને એવા એવા સંસ્કારો મનમાં સ્ફુરવા લાગ્યા અને સુવર્ણપુરના ઉંચા રસ્તા ઉપરથી ભદ્રા અને સમુદ્રના સંગમનું સ્થાન દેખાતું હતું ત્યાં દ્રષ્ટિ પડતાં ઘડીક નાવમાં બેસી ઘેર જવાની વૃત્તિ થઈ – ઘડીક ઘરમાં જ ઉભો હોય તેમ અનુભવવા માંડ્યું. રસ્તા ઉપર બીજું કોઈ આવે છે કે નહી, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંઈ જોતો ન હતો. “એની આંખ એના હૃદયમાં હતી – અને એ હૃદય ઘણે ઘણે છેટે હતું.” [૧] તે એના ઘરમાં હતું. સુવર્ણપુરનું કોઈ પણ પ્રાણી - કંઈ પણ પદાર્થ તેના મનમાં વસતો ન હતો. ઘરમાં હૃદય અને હૃદયમાં ઘર એમ હતું. એમ છતાં સુવર્ણપુરના એક જણને તેમાં અવકાશ મળ્યો. પોતાના ઘરની સર્વ સૃષ્ટિ વચ્ચે વચ્ચે અમાત્યના ઘરની – ન સગી – ન... એવી કુમુદસુંદરી ઉભી. કુમુદસુંદરી ! તું અંહીયાં ક્યાંથી ? - નવીનચંદ્ર ! આજ તને શું થયું ? રાજ-ઉદ્યાનમાં પેંઠો ત્યારેયે ઘર સાંભર્યું અને અહુણાંયે સાંભર્યું. એ શાથી ? ઘરની સાથે કુમુદસુંદરીને સંભારવાનું કારણ શું ? આ સર્વ પ્રશ્ન પણ નવીનચંદ્રના જ હૃદયમાં સમુદ્રના તરંગ પેઠે ઉઠતા હતા અને આકાશ સુધી ઉછાળા મારતા હતા. વચ્ચે વચ્ચે અમાત્યના ઘરમાં બનેલા કેટલાક બનાવો સાંભરતા હતા. નવીનચંદ્રના મનની સ્થિતિનું કારણ એ બનાવો તો નહી હોય ? વાંચનાર, એ બનાવો સાંભળ.
નવીનચંદ્ર અલકકિશોરીના પતિવ્રતાપણાનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી એ કિશેારી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેશી ર્હેતી અને એનો ઘા રુઝાવાની વાટ જોતી. એ બાળાને
- ↑ ૧. બાયરન - 'ગ્લૅડિએટર.'