લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

કિશોરી પોતાની પાસે અપવિત્ર વાતો થવા ન દેતી અને કોઈ પુરુષનાં તો શું પણ સ્ત્રીનાંયે વખાણ થવા ન દેતી. નવીનચંદ્રની એના મન ઉપર થયેલી નિર્દોષ અને પવિત્ર અસર : કૃષ્ણકલિકાએ જોઈ અને તેનો ઉપયોગ કર્યો. નવીનચંદ્રના સ્વભાવનાં, સુશીલતાનાં, સદ્ગુણનાં અને અંતે સ્વરૂપનાં વખાણ એણે ક્રમે ક્રમે કરવા માંડ્યાં, અને ઉપકારની અમીથી ભરેલી દ્રષ્ટિયે જોનારી કુલીન માનિની આ સર્વે વખાણ આનંદથી સાંભળતી. આ પવિત્ર આનંદચંદ્રમાં કુષ્ણકલિકાએ હળવે હળવે કલંક ઉત્પન્ન કર્યું. એક દિવસ નવીનચંદ્રની સુંદરતાની વાત ક્‌હાડી, કજોડાંની વાત ક્‌હાડી, હીમ્મત આણી કુષ્ણકલિકા અચિંતી બોલી ઉઠી: “ બ્હેન, ખરું પુછો તો તમારે તે નવીનચંદ્ર જેવો વર જોઈએ–હા, વિદુરપ્રસાદ ઠીક છે પણ તે ઠીક જ. કાગડો દહીંથરું લઈ ગયો છે.” અલકકિશોરીચે એને ધમકાવી આ વાત બંધ પાડી અને તરત તો પોતે પણ ભૂલી ગઈ.

કલાક બે કલાક વીત્યા પછી તે નવીનચંદ્રની મેડીમાં આવી. તે ખાટલામાં ઉંઘી ગયો હતો. એને ઔષધ પાવાનો વખત વીતી ગયો. હતો તે જગાડવો કે ન જગાડવો એ વિચારમાં ઘડી વાર ઉભી અને સુતેલા નવીનચંદ્રના મુખ ઉપર દ્રષ્ટિ પડી–દ્રષ્ટિ પડી જ. એનો ઘા રુઝવા માંડ્યો હતો પણ પાટા કરવા પડતા હતા. તાવ આવતો બંધ થયો હતો પણ શક્તિ સારુ ઔષધ પીવું પડતું. ઉઠવા બેસવાને શ્રમ ચાલતા સુધી ન લેવો એવી વૈદ્યની આજ્ઞા હતી, પણ ધારે તો શ્રમ લેવા જેટલી શક્તિ આવી હતી અને મ્હોં પર તેજી પણ આવી હતી. સુતેલાના વિશાળ કપાળ પર પરસેવો વળ્યો હતો અને પુરુષત્વભરી કાળી ભ્રમરો અને પાંપણો વચ્ચે મીંચાયેલાં ગોરાં પોપચાંની ગાદી ઉપર અંગવિનાનો- અદૃશય-મનમથ આવી બેઠો. તેના બાણનો અશ્રાવ્ય નિર્ઘોષ પાસે ઉભેલી અબળાના અંતઃકરણમાં અચિંત્યો કોણ જાણે ક્યાં થઈને પેંઠો અને તેને ધ્રુજાવવા લાગ્યો. પરદેશીના ગાલની રતાશ ચળકાટ મારતી જણાઈ અને તેના તેજથી સર્વેની આંખને ઝાંઝવા વાળનારીની આંખો આજ અંજાઈ ગઈ. મુછનો દોરો જ કુટેલો હતો તેનાથી બાંધી દીધેલા ઓઠસંપુટને જોઈ - તેમાં કાંઈ અમૃત ભર્યું હોય તેમ – આત્મસંતુષ્ટાના ઓઠ કાંઈક પ્હોળા થયા. આ સર્વ શું થાય છે ? એ વાત અલકકિશોરી સમજી નહી. એણે આવી સ્થિતિ કદી અનુભવી ન હતી–સાંભળી પણ ન હતી. પુછવું પણ કોને ? તે નિ:શ્વસ્ત અને દીન બની નવીનચંદ્રના માથા આગળ-ખાટલા પાસે-નીચે બેઠી અને એના સામું જેવુ લાગી. આજ આ પુરુષને જોઈ આ બધું શું થાય છે ? નવીનચંદ્ર તે આજ કાંઈક બદલાઈ જ ગયેલો લાગ્યો. એને જોઈને જ અબળાના અંગમાં