લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮


શરીરે અગ્રાહ્ય પરપુરુષ – સ્પર્શ થવા દીધો – સ્વીકાર્યો – અભિનન્દ્યો ! એ સ્પર્શને ટકવા પણ દીધો ! વધવા પણ દીધો ! અસ્પર્શ્ય સ્થાન પર સરવા પણ દીધો ! અરેરે ! શો સન્નિપાત ! જાતે – ઈશ્વરઇચ્છાથી બંધ થતા સ્પર્શને બંધ થતો અટકાવ્યો – પકડી રાખ્યો ! પતિવ્રતા – હવે તું પતિવ્રતા મટી ગઈ ! આટલાથી જ ! ઘણી વખત ઔષધ પાતાં નવીનચંદ્રનો સ્પર્શ અનુભવતી – બેદરકારપણાને લીધે - અત્યંત મમતાને લીધે સુતેલાને હોરાડતાં, પાણી પાતાં, તેના શરીર પર વળતાં - અજાણ્યે પવિત્ર અંગને સ્પર્શ થતો - તે છતાં તું પતિવ્રતા જ હતી. આજ એ જ સ્પર્શથી તું પતિતા થઈ! ભ્રષ્ટ થઈ! એક સંગતિ - એક ક૯પના ! શી તમારી ફળપરંપરા ! શું નવીનચંદ્ર પણ ભ્રષ્ટ થયો ! શું ઈશ્વરની આ દેખાવ પર નજર હતી ? શું નિર્જીવ મેડી એ દેખાવ જેતી હતી ? શું એમાંથી એકના પણ ધારવામાં હતું કે આ દેખાવ કોઈ પણ માનવી જુવે છે ? શું કોઈ પણ માનવીની અાંખપર આ બનાવનું પ્રતિબિંબ પડતું હતું અને આ બે જણ અંધ જ બની ગયાં હતાં ? ઈશ્વરની ગતિ અકલ છે !

અલકકિશોરી નવીનચંદ્ર પાસે રોજ પવિત્ર વૃત્તિથી બેસતી હતી એટલે બારણાં ઉઘાડાં અથવા અધઉઘાડાં રહેતાં તેની હરકત ન હતી. રોજની પેઠે આજ પણ અધઉઘાડાં હતાં અને તેના અપવિત્ર વિચારનો જન્મ મેડીમાં અાવ્યા પછી થવાને લીધે એ વાત પર તેનું લક્ષ્ય જ ન હતું. બારણાભણી તેની પુંઠ હતી. પણ એ બારણાના મીજાગરા અાગળ જગા હતી તેમાં એક નવું મીજાગરું હોય એમ એક કાળી કીકી દેખાતી હતી. તે કોની હતી ?

સ્ત્રીવર્ગમાં, તેમાં વિશેષે કરીને તરુણવર્ગમાં, રસસમાનતા પ્રમાણે અને વયસમાનતા પ્રમાણે સહીપણાં થઈ જતાં વાર લાગતી નથી અને તેથી તરત પક્ષ બંધાઈ જાય છે. કૃષ્ણકલિકાને અલિકકિશોરી સાથે ફાવી ગયું હતું તેમ વનલીલાને કુમુદસુંદરી સાથે ફાવી ગયું હતું. તે રમતીયાળ પણ ડાહીલી હતી. રસીલી પણ સદ્ગુણી હતી, વાંચવા ગાવાની શોખીન હતી, નિંદા કરવાની બહુ ટેવ ન હતી તો પણ પરચેષ્ટા જોવાની રસિયણ હતી, સૌભાગ્યદેવી પાસે ગીત શીખવા આવતી, કંઠ તીણો હતો અને તેથી વધારે તીણો કરવા મથતી, અલકકિશોરીની કચેરીમાં ચર્ચા ચલાવનારીયોમાં એક એ હતી, કુમુદસુંદરી પાસે નિત્ય આવતી, તેની જોડે આખો દિવસ છાનીમાની કોણ જાણે શીયે વાતો કર્યાં કરતી, તેની જોડે શેતરંજ રમતી, કુમુદસુંદરી ગાતી તેમાં પોતાને તો સમજણ ન્હોતી પડતી પણ પોતે ગાઈ બતાવતી, અને એની પાસે પુસ્તકોમાંથી રસીલી વાતો વંચાવી સાંભળતી. રીત પ્રમાણે આજ પણ