પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫

મંગાવો.” એક જણને તે સારુ પણ મોકલ્યો, ઘરમાં એકલો સમરસેન રહ્યો તે બારણું સાચવવા રહ્યો અને કાન તથા મન મેડી પર રાખ્યાં.”

સૌભાગ્યદેવી ખુરશીની એક પાસ ઉભી રહી કુમુદસુંદરીનું ગળું એક હાથે ઉંચું કરી બીજે હાથે એની હડપચી ઝાલી એના સામું જોતી રોતી પુછવા લાગી અને પુછતાં પુછતાં તેનું મ્હોં લેવાઈ જતું હતું : “કુમુદસુંદરી - કુમુદસુંદરી - વહુ – બેટા – બાપુ-બોલોને, આમ શું કરો છો ? કુમુદસુંદરી–”

આડું જોઈ આંખો પર પ્હોંચો ફેરવતો નવીનચંદ્ર બોલ્યોઃ “દેવી, ચાલો, એમને પલંગ પર સુવાડીયે; અહુણાં એ નહીં બોલે.”

“શું નહી બોલે ! શું કુમુદ નહીં બોલે ? નવીનચંદ્ર ! એમ શું બોલો છો ? એ તો મ્હારા ઘરનો દીવો – હોં !” ઘેલી બનતી સૌભાગ્યદેવી લવી.

ઉતાવળી ઉતાવળી અલક આવી અને પાછળ વનલીલા આવી. નવીનચંદ્રે ગુલાબજળની શીશી લેઈ ખોબે ખોબે કુમુદસુંદરીના મ્હોંપર જોરથી છાંટવા માંડ્યું. સઉ સ્તબ્ધ થઈ જોઈ રહ્યાં. સાત આઠ ખોબા છંટાયા ત્યારે પ્રાતઃકાળ પહેલાં કમળની વિકસનાર પાંખડીયો હાલવા માંડે તેમ એ કાંઈક હાલી.

“દેવી, જો ભાભી હાલ્યાં, હોં” – મલકાઈ અલકકિશોરી બોલી. પણ તે વ્યર્થ, અર્ધી શીશી છંટાઈ પણ કુમુદસુંદરી જાગી નહીં. નવીનચંદ્ર હાર્યો; “દેવી, એમને પલંગ પર લ્યો. વૈદને આવવા દ્યો.”

અલકકિશોરી અને વનલીલાએ પગ અને કેડ આગળથી ઉચકી. નવીનચંદ્રે માથા નીચે અને વાંસા નીચે હાથ રાખ્યા. સૌભાગ્યદેવી વચ્ચેથી ઉચકવા ગઈ પણ મડદું ઉચકવા જેવો દેખાવ જોઈ છળી હોય તેમ – કુમુદસુંદરી મરી જ ગઈ હોય એવું ક૯પી – પાછી પડી: “ હાય હાય રે, ઓ મ્હારી કુમુદ – આ શું ?” દેવી પડતી પડતી પાછલી ભીંતને આધારે ટકી.

માથાભણીના નીચા નમેલા નવીનચંદ્રની આંખ કુમુદસુંદરીના મ્હોંપર આવી. તેની આંખમાંથી આંસુ પડ્યાં. તે કુમુદસુંદરીની આંખ ઉપર - ગાલઉપર – પડ્યાં. હાથ રોકાયલો હોવાથી આંસુ લ્હોવાય એમ ન હતું.

હળવે રહીને, આંચ ન આવે એમ, મૂર્છા પામેલીને પલંગ ઠીક કરી તેપર સુવાડી. સઉ આસપાસ વૈદની વાટ જોતાં જ બેઠાં. દેવી માથાઆગળ આવી - વાંકી વળી – એના મ્હોં પર મ્હોં મુકી – ચુંબન કરી – વાળ પર હાથ ફેરવી - રોઈ પડી. કોઈ કોઈને દીલાસો આપે એમ ન હતું. નવીનચંદ્ર ખોટી