લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭


" વિન્ટર્‌સ ટેલ ”ની વચ્ચોવચ કાગળના કટકા મુકી નિશાનીયો રાખી હતી. દ્હાડીયે હાથ રાખી નવીનચંદ્ર સઉ જોઈ રહ્યો અને વિચારમાં ગરક થયો. એટલામાં પલંગમાં મૂર્ચ્છા પામેલીના મુખમાંથી ત્રુટક ગાન પાછું નીકળવા માંડ્યું:–

“ઓરે...વિદ્યા...ઓરે...વિદ્યા... સરસ્વતી... સરી ગઈ રે ” પળવાર બંધ પડી પાછું ગાન આરંભાયું :

“ઓરે... ભ્રમરા...ઓરે ભ્રમરા...શાથી ઉડી ગયો રે !” વળી બંધ પડ્યું અને પ્રથમ ગાયલાના અનુસંધાન જેવું સંભળાયું –“આ...

"સરી ગઈ નામથી.... સરી... મુજ હાથથી...
“ઉરથી સરી નહી રે... ઉરથી સરી નહી રે...
“ભ્રમર, તને શાથી ગમ્યું–છેક આવું ?”

નવીનચંદ્ર પાછો ફર્યો, પલંગ પાસે આવ્યો, અને એના મૂર્છિત મુખ સામું જોઈ રહ્યો. તે કલાંઠી સુતેલી પડી હતી, તેના કાળા ભ્રમર જેવા વાળ મોરના કલાપ પેઠે ચારે પાસ પથરાઈ વેરાયેલા હતા અને તેમાં ગુંથેલાં ભાતભાતનાં સુશોભિત ફુલ છિન્નભિન્ન થયાં હતાં. સર્વ, છાનું ધીમું રોતાં રોતાં આંંખો લ્હો લ્હો કરતાં, આસપાસ ચિત્ર પેઠે બેસી રહ્યાં હતાં અને અાનું પરિણામ શું થાય છે તે દુઃખભર્યા વીમાસતાં હતાં, એટલામાં વૈદ્ય આવ્યો. આવવા માંડ્યા ત્યારે સર્વ આવ્યા. બુદ્ધિધન અને પ્રમાદધન પણ આવ્યા. તેમને સઉ સમાચાર અલકે કહ્યા. વૈદ્ય ઉપચાર કરવામાં રોકાયો. વાઈનું દરદ ઠરાવવામાં આવ્યું. આખરે મૂર્ચ્છા વળી અને સર્વેનો શ્રમ સફળ થયો. બુદ્ધિધને અલકકિશોરીને પુછ્યું:–“તું એમને અહુણાં ફરવા લઈ જતી ન હતી ?"

“ના, અહુણાનું નથી જવાતું.”

“હાં, એ જ કારણ. લઈ જજે હવે. આજે જાઓને ગાડી જોડાવી, કાંઈ હરકત છે ?”

“ના, કંઈ હરકત નથી.”

વડીલની આજ્ઞા સઉએ માન્ય રાખી. શ્રમથી ઉઠતી કુમુદસુંદરીયે પ્રથમ જ પોતાનો નિયમ તોડ્યો. શ્વશુરગૃહમાં નવીનચંદ્ર આવ્યો ત્યાર પછી તેના સામી નજર નાખતી ન હતી તેણે ગાડીમાં બેસવા ઘરના દ્વારમાંથી નીકળતાં નીકળતાં કોઈ ન દેખે એમ : ક્રોધ, દયા, અને દીનતા ત્રણે વાનાંથી ભરેલી દૃષ્ટિ ભમ્મરકમાન ચ્હડાવી નવીનચંદ્ર ઉપર નાંખી.