પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮


આ બનાવ બન્યા પછી જયારે જયારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાંખતી જણાતી.

આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી, ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઈચ્છા થતી હતી, અને બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છેડવું એ તેના મનમાં નક્કી થયું હતું. આ ઈચ્છાનું પ્રબળ માત્ર ચૈત્રી પડવો જોવાના કુતૂહળથી ડબાઈ રહ્યું હતું. એટલામાં તે જ દિવસને પ્રાત:કાળે બુદ્ધિધને ગુરુકાર્ય સોંપ્યું એટલે ઈચ્છા સફળ થવામાં વિઘ્ન આવ્યું દેખાયું. દરબારમાંથી નીકળ્યો તે સમયે જ એ વિઘ્ન પાછું દૂર ગયું તેને વિચાર થયો, અને મનસ્વીની સ્વચ્છંદવૃત્તિયે પાછો તનમનાટ મચાવી મુક્યો. દરબારમાં મચેલું ભવ્ય અને મનભર સ્વપ્ન અા તનમનાટને બળે ઝપટાઈ ગયું. રસ્તા પર પડતો ઉગ્ર તાપ મગજને ઉકાળતો હતો તેથી સ્વચ્છંદી હૃદયને માત્ર રંગ ચ્હડયો અને તે ખી૯યું. દૂર સમુદ્રમાં દેખાતાં વ્હાણો નજરે પડવાથી નીશો કરેલા જેવાને દીપદર્શન જેવું થયું અને રસ્તામાં ચાલતાં ચાલતાં તેના મગજમાં અનેક વિચારની લ્હેરો આવવા માંડી.

“સરસ્વતીચંદ્ર ! તને કાંઈ ખબર છે કે કુમુદસુંદરી શું બકે છે ? ત્હારી સરસ્વતી.”

“સરી ગઈ નામથી–સરી ”–કુમુદસુંદરીના... હાથથી. 'સરી' એના ... 'ઉરથી નહી રે'

“અરરરર ! નિર્દયતા અને મૂર્ખતાની હદ વળી ગઈ !–
"થયો દારુણ મન માન્યો, વિકળ થઈ સ્નેહની સાનો !
"હવે સુકુમાર ઉર ફાટી જશે, એ મૂર્ખ હતભાગી !"

“હે ઈશ્વર, એ પાપ કોને ? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઈ સુઝે છે ? આ શું કર્યું ? મહાપતિવ્રતા – પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા ! નવા અવતારમાં પાછલો અવતાર ન ભુલનારી પતિવ્રતા ! – મનને વરેલો પતિ મનથી છુટો નથી પડતો – વરેલા પતિને છોડી મન વ્યભિચારી નથી થતું – શરીરે વરેલા પતિને છોડી શરીર અન્યત્ર નથી રમતું ! અાહા ! બળવાન્ બાળકી ! મનના પતિપર અાટલો અાવેશ છતાં તેના ભણી પાંપણનો પલકારો પણ નહી ! કેવા બળવાળી ? પુરૂષ ! તું સ્ત્રી છે. અને સ્ત્રી ! તું પુરુષ છે ! પળવાર પર સ્ત્રીપર મોહેલા મનવાળા પુરુષને - પળવાર અસંવાદી થયેલા મનને - સંવાદી કરી નાંખનાર સારંગી ! શું ત્હારું બળ ! સારંગી ! કુમુદસુંદરી-કુમુદસારંગી ! અરેરે ! હું ભ્રષ્ટ થાત જ.