પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧

થાય તે તો મનાય નહી. આ વનલીલા આઘે ઉભી હતી – એને તો ખબરે નહી હોય – અને એના સામી મ્હારી દ્રષ્ટિ પળવાર આકર્ષાઈ – તરત મ્હેં પાછી ખેંચી એ વાત ખરી – પણ પળવાર આકર્ષાઈ – એને જોવાનું મને મન થયું, મ્હારી દ્રષ્ટિ ઠરી એ, અનુભવ ન થયો હત તો, હું કેમ માનત ? પણ ન માનત તેનું કારણ શું ? કારણ ? કારણ એ જ કે આકાશના ગ્રહોમાં ચિત્ત લગાડી ઉંચું જોઈ ચાલનાર નીચેનો ખાડો ન જોતાં તેમાં પડે તે. ઉંચી જતી કલ્પના નીચું જોતી નથી - સમુદ્ર ઓળંગનારની દ્રષ્ટિ ફલંગ વચે આવી જતા દરેક મોજાને જોતી નથી – દેશના, વિશ્વના, અને વિશ્વકર્તાના વિચાર કરનાર ક્ષુધા અને મદનની હયાતી ભુલી જાય છે. પણ ક્ષુધા અને મદન કાન પકડી તેને ઠેકાણે અાણે છે. પુસ્તક છોડી ખાવા ઉઠવું પડે છે – જ્હોન્ મિલ અને વર્ડ્ઝવર્થ્ જેવાને પણ પરણવું પડ્યું હતું. તે પરણ્યા હતા તે શું મનની મિત્રતા સારું ? બ્હારથી તે લોકો એના ઉત્તરમાં હા ક્‌હે છે – પણ એ ઠગાઈ છે – એ બાબતનું ભાન મને આજ થયું. મનની મિત્રતા બસ હોય તો તે શોધનારા પરણે છે શું કરવા – વાતચીતના સંબંધથી સંતોષ કેમ નથી પામતા ? પુરુષને પુરુષ મુકી સ્ત્રીની મિત્રતા શું કરવા કરવી પડે ? પ્રીતિ એટલે મનની મિત્રતા - લગ્ન એટલે માનસિક જીવનો સંયોગઃ એ વ્યાખ્યા અધુરી છે. અરેરે, આ જ્ઞાન મને આજ મળ્યું ! અલકકિશોરી, તું મ્હારી ગુરુ થઈ - ચાર માસ પહેલાં એટલી ખબર હત તો – કુમુદસુંદરી – હું ત્હારી આ દશા ન થવા દેત. પણ થયું તે થયું. હવે જે થાય છે તેનો કાંઈ ઉપાય ? મ્હારે પરણવું એ તો નહીં જ બને – પણ અાવી ભુલ ન થાય – અાવી પરાધીનતા ફરી ન થાય – એને કાંઈ ઉપાય ? ઉપાય એ જ કે વિષયવિષયીનો પ્રસંગ જ ન થવા દેવો. સ્ત્રીને સાત ગાઉથી નમસ્કાર કરવા. બુદ્ધિધનનું ઘર છોડવું-છોડવું એ જ સિદ્ધિ. એથી કુમુદસુંદરી પણ સુખી થશે. મને નહી દેખે એટલે મને વિસરી જશે, પણ મ્હારે અંહીથી ક્યાં જવું ?”

“અરેરે ! શું આપણી ઇચ્છાપ્રમાણે ઇન્દ્રિયો ન ચાલે ?”

[૧]1. "Who can say 'Thus far, no farther' to the tide of his own nature ?
“Who can mould the spirit's fashion to the counsel of his will?
“ Square his being by enactment - shape his soul to legislature—
"Be himself his law of living: his ૦wn art of good and ill ?


  1. 1. F. Brunton Stephens.