પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩

રામસેન પદ્માના કાનમાં કાંઈક વાત કરી આવ્યો અને નવીનચંદ્ર સાથે ચાલવા લાગ્યો.

“ભાઈ, આને જોઈ?”

અચિન્ત્યો પાછો ફરી નવીનચંદ્ર બોલ્યો: “ શું !”

“કાંઈ નહી, આ તો પદ્મા અંહીયાં ર્‌હે છે.”

"પદ્મા કોણ છે ?”

“આપ નથી ઓળખતા ? પ્રમાદભાઈ સાથે આપ બેસો છો એટલે મ્હારા મનમાં આપ એને ઓળખતા હશો એમ હતું.”

“એ છે કોણ ?”

“એ પદ્મા નામની ગણિકા છે. તમે જોઈકની ? કેવી રુપાળી છે ? ચાલો જોવી હોય તો, પાનસોપારી ખાઈ ઉઠજો.”

આશ્ચર્યંમાં ડુબી વિચારમાં લીન થઈ નવીનચંદ્ર બોલ્યો: “ના, બાપુ, આપણે ત્યાં શું કામ છે ? મને લાગે છે કે આ રસ્તે એટલા સારું આવ્યા હશો.”

“હા, એમ જ. મ્હારે એને કાંઈ ક્‌હેવું હતું."

"તમારે એને શું ક્‌હેવાનું હોય?"

“કાંઈક સ્હેજ હતું.”

“ના, ના, ત્હોયે શું ? ક્‌હો તો ખરા.”

"કોઈને ક્‌હો નહીં તો કહું. વાત ઉઘાડી પડે તો મ્હારો રોટલો જાય.”

“રોટલો નહી જાય; મ્હારે કોઈને શું કરવા ક્‌હેવું પડે? બોલો.”

“પ્રમાદભાઈ કોઈ કોઈ વખત દેાસ્તદારો સાથે આ ઠેકાણે આવે છે.”

“ પ્રમાદભાઈ ! શું એ અંહીયાં આવે છે ! "

“હા, ભાઈ સાહેબ, જોજો કોઈને ક્‌હેશો નહી, હોં. બપોરે જતા આવતા પણ આંટો મારે. ભલા, ઘડીક ગમત છે.”

“શું એમને કુમુદસુંદરી પર ભાવ નથી ?”

“ના જી, ભાવ તો પુષ્કળ છે. એમનું નામ દેતાં તો એ ગાંડા ગાંડા થઈ જાય છે.પણ આ તો ભલા, ઘર તો રોજ હોય છે. રોજને રોજ એક ચીજ દેખે તો શ્રીમંતાઈ શા કામની ? ”

“ત્યારે આ શિવાય બીજાં ઠેકાણાં છે કે ? ”