પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪

“ના જી. ચાલોને આપ. એમની દોસ્તી છે એટલે પાનસોપારી ખાઈશું.”

“બુદ્ધિધનભાઈ આ વાત જાણતા હશે ?”

"ના, જી, ના. એ જાણે તો તે પ્રમાદભાઈને અને અમારે મોત જ આવે તો. બુદ્ધિધનભાઈને કોઈ સ્ત્રી ઉપર આડી નજર જ ન મળે.”

"ખાત્રીથી કહો છો ?”

“હાજી. એમાં તો વાંધો નહી ને ભાઈસાહેબ અને બાઈસાહેબ તો પેટે અવતાર લઈએ એવાં છે.”

“ત્યારે પ્રમાદભાઈને આ રસ્તો ક્યાંથી સુઝ્યો ?

“એ તો, ભાઈ, ન્હાનપણમાંથી અમારા જ ઉછેરેલાકની ? એટલી અમે ચાકરી કરી, અને એ ઘડી અંહીયાં વીસામો લે છે તો અમારા ઉપર આજ ચારે હાથ રાખે છે. એમના ભાઈબંધો પણ એ બ્હાને ચમન કરે છે અને અમારે એ પઈસાની પ્રાપ્તિ થાય છે.”

“કુમુદસુંદરીને આની ખબર ખરી ?”

“ભાઈસાહેબ, પ્હેલાં તો ન્હોતી. પણ બે ચાર દિવસ ઉપર ભાભીસાહેબ રાજેશ્વરમાં ગયાં હતાં ત્યારે પેલો બેવકુફ મૂર્ખદત્ત કાંઈક લવી ગયો.”

"મૂર્ખદત્તને શાથી ખબર ?”

“પદ્માને લેઈ કોઈ વખત રાત્રે રાજેશ્વરમાં સહેલ કરવા જાય એટલે મૂર્ખદત્ત જાણે.ચારેક દિવસ પર ત્યાં ભાભીસાહેબ ગયાં હશે ત્યારે વાડામાં પદ્માનો કમખો પડેલો હાથ લાગતાં મૂર્ખદત્તને એમણે પુછ્યું ને ગભરામણે એ બકી ગયો કે ભાઈ કાલે આવ્યા હતા તે પેલીનો રહી ગયો હશે.”

“પછી એમણે કંકાસ ન કર્યો ?”

“એ જ જાણવા જેવું છે તો. બીજી બાયડી હોય તો માલમ પડે. ભાભી સાહેબ કમખો ઘેર લઈ ગયાં અને બેલ્યાચાલ્યા વિના પ્રમાદભાઈના હાથમાં મુક્યો અને કહ્યું કે આ કમખો કોઈનો આપણા મહાદેવમાં પડ્યો હતો તે જેનો હોય તેને આપજો. પ્રમાદભાઈ ગભરાયા અને બો૯યા કે કોનો છે તે મને ખબર નથી. ભાભીસાહેબ ક્‌હે – આપ કારભારી છો – કોનો છે તે તપાસ કરજો – નીકર આપ એ કમખાના મુખત્યાર છો.”

"પછી?"