લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫


"પછી તો રાજખટપટને લીધે ભાઈનાથી અંહી અવાયું નથી.”

“ઠીક?”– કહી નવીનચંદ્રે નિ:શ્વાસ મુક્યો અને ગલી વટાવી સરીયામ રસ્તા પર આવ્યા.

“ભાઈ આ વાત કોઈને ક્‌હેશો નહીં હોં–”પસ્તાતો રામસેન બોલ્યો.

“ત્યારે મને કહી શું કરવા અને આ ગલીમાં આવ્યા શું કરવા?”

"ગલીમાં આવ્યા તે તો વધામણું ખાવાને કે હવે પદ્માબાઈનો દરબારમાં પગ થશે, અને આપને કહ્યું તે તો આપ જાણતા જ હશો જાણી ભુલ ખાધી.”

“તમે ભુલ કરી તેમાં મ્હારે શું ? ”

“ભાઈ – આપ દાના માણસ છો – કાંઈ નાદાન છો ? મ્હારા જેવા ગરીબ પર દયા રાખવી જોઈએ. બીજુ શું ? ”

“બહુ સારું. ફીકર ન રાખશો. તમારી વાત ઉઘાડી નહી પડે. તમારું નામ તો નહી જ આવે."

વાતચીત બંધ પડી. વિચારમાળા ફરી આરંભાઈ.

“અંહંહંહં – કુમુદસુંદરી - વિશુદ્ધ પવિત્ર કુમુદસુંદરી – હવે તો જુલમની હદ વળી. સરસ્વતીચંદ્ર ! આ સઉ પાપ ત્હારે માથે. અવિચારી સાહસિક ! જુલમ કર્યો છે. ”

“મ્હોટાંનાં સંતાન કેવાં ભાગ્યહીન ! આવો શુદ્ધ બુદ્ધિધન – અાવી પવિત્ર સૌભાગ્યદેવી ! તમારી મ્હોટાઈનું પ્રથમ ફળ એ કે ચાકરોને હાથે તમારા પ્રિય પુત્રને કેળવણી મળી. ચાકરને હાથે ઉછરેલું બાળક આમ બગડે. શેઠ તે કેટલું લક્ષમાં રાખે ? પ્રમાદધન સ્વાભાવિક રીતે દુષ્ત નથી પણ - આ ચાકરોએ દોસ્તોએ બગાડ્યો છે. મ્હોટાંનો ઘરસંસાર અસ્વાભાવિક જ હોય છે. મ્હોટાં માણસ ઘરની સંભાળ રાખી શકતાં નથી. રાજ્યતંત્ર ચલાવનારનું ઘરતંત્ર અંધારે ચાલે છે !”

“પવિત્રતાને પ્રતાપ જોયો ? આવો ભ્રષ્ટ ચાકર, તે પણ એ અમાત્ય – દંપતીને પેટે અવતાર લેવામાં ભાગ્ય માને છે !”

"પણ મ્હારામાં અને પ્રમાદધનમાં શો ફેર ? વિદ્યા અને અવિદ્યામાં શો ફેર ? એ આચારમાં દુષિત થયો છે – હું વિચારમાં દૂષિત થયો. પણ મ્હારો દેાષ જન્મતા મુવો – એના દોષનો પ્રવાહ હજી અવિચ્છિન્ન છે અને કદાચિત્ વધશે. - વિદ્યા, અને અવિદ્યામાં અાએક ફેર નહી ?”

“પણ મ્હારામાં એટલો યે દેાષ આવ્યો શાથી ? આવા સ્થાનમાં આવ્યાથી. સંગતિ સરખાંની – અને અને તે ઉંચાની જોઈએ. ઉચ્ચ