પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬

ગતિથી નીચને લાભ છે તેમ જ નીચ સંગતિથી ઉચ્ચને હાનિ છે. અલકકિશેરીની સંગતિનું ફળ અનુભવ્યું. આ ચાકર એક રસ્તામાં સાથે રહ્યો તો ગણિકાના ઘર આગળ આવ્યો. કુમુદસુંદરીને એક ભૂતસંબંધ તેણે સારંગી દ્વારા મને ઘોર પાતકમાંથી–દુષ્ટ પરિણામમાંથી–ઉગાર્યો.”

"ત્યારે હવે બુદ્ધિધનનું ઘર છોડવું, પણ–” બુદ્ધિધનનું ઘર આવ્યું; ટપાલના સીપાઈએ એક કાગળ આપ્યો, તે ફોડતો ફોડતો નવીનચંદ્ર અમાત્યગૃહના બારણામાં પેઠો.



પ્રકરણ ૧૪.
સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર.

બુદ્ધિધન દરબારમાં ગયો એટલે તેના દ્વારમાં એક બે વિશ્વાસુ સીપાઈઓ સજ્જ થઈ બેઠા. સૌભાગ્યદેવી ફરી ન્હાઈ અને ભસ્મ ચોળી દેવમંદિરમાં રૂપાની દીવીયોમાં ઘીના દીવા અને ધુપીયામાં ધુપ સળગાવી દેવની આગળ માતુ:શ્રીએ શીખવેલાં સ્તોત્ર ગાતી ગંભીર વદન કરી બેઠી.ચૈત્રના પ્રાતઃકાળમાં રમણીય લાગતી પવનની લ્હેર ખાતા ખાતા વૃદ્ધ દયાશંકર ચોકમાં પડ્યા; અને પાસે બેસી અલકકિશોરી અને કુમુદસુંદરી, રાણો, શઠરાય, બુદ્ધિધનના ન્હાનપણનો ઈતિહાસ, માતુઃશ્રીની વાતો, કારભારી કુટુંબની દંતકથાઓ, અને એવી કંઈ કંઈ બાબતો પુછવા લાગી અને સંજયની પેઠે દયાશંકર તેમની જિજ્ઞાસા રસ અને આનંદ સાથે પુરવા લાગ્યા. વાત કરતાં કરતાં દયાશંકરને બુદ્ધિધનના મંદવાડના દિવસ સાંભરી આવ્યા, એની તીવ્ર પ્રતિજ્ઞા સાંભરી આવી; અને અનાથ વિધવા માતુશ્રી, બાળક સૌભાગ્યદેવી, અને ચિંતાગ્રસ્ત બુદ્ધિધન એ ત્રણના દુઃખના દિવસનું યથાસ્થિતિ વર્ણન વૃદ્ધ પુરાણી સ્મરણશક્તિને જુવાન કરી કરવા લાગ્યા. જુવાન બાળકીયો દયામણે મ્હોંયે તે સાંભળવા લાગી, અને વચ્ચે વચ્ચે ક્‌હેવા લાગી, “અરેરે, આવા દિવસ તો દુશ્મનને યે ન આવશો.” સ્તોત્ર ભણતાં ભણતાં પોતે જોયેલા વખતનો ઇતિહાસ સાંભળી સંભારી સૌભાગ્યદેવી એકલી બેઠી બેઠી ડુસકાં ભરવા લાગી, માતુઃશ્રીની મમતા વધારે વધારે લક્ષમાં આણી ચોધાર આંસુ પાડવા લાગી, અને આખરે સ્તોત્રપાઠ પડતો મુકી આંસુ લ્હોઈ દયાશંકરકાકા પાસે ગઈ અને બધામાં બેસી વૃદ્ધ પુરુષની સ્મરણશક્તિને આશ્રય આપવા લાગી.