પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮

અભિમાન પ્રથમ જ ઉત્પન્ન થયું. પોતાનું મન શુદ્ધ થશે તો પતિને પણ શુદ્ધ કરી શકાશે એમાં વાંધો ન લાગવાથી આજ સુધી દીન મનવાળી ર્‌હેનારી ઉત્સાહી બની.

પળ બે પળમાં મધ્યાહ્ન જોવા નિર્મલી અાંખોમાં અામ ચારે પાસેથી તેજનો અંબાર પ્રવેશ કરતો હતો અને પોપચાને પણ ભેદી અંદર જવા મથતો હતો, ભાગ્યનો વર્ષાદ ઈશ્વરને ઘેરથી નીકળી ચુક્યો હતો, ઘરબ્હાર ઉભેલા બુદ્ધિધનપર તેના ફોરા પડવા માંડ્યાં હતાં. અને ઘરમાં ર્‌હેલા તેના કુટુંબને તેની ખબર ન હતી તોપણ પડનાર વર્ષાદની મધુર શીતળતા તેમને પણ આમ લાગવા માંડી હતી. समयसेन सर्वमुपकारि कृतम् તે ન્યાયે સંપૂર્ણ થતા ભાગ્યોદયને સર્વ વાત અનુકૂળ થઈ ગઈ અલકકિશોરીનું ચિત્ત પવિત્ર થયું, તેના અભિમાનને ઠેકાણે નમ્રતા આવી, ઉન્મત્તપણાને ઠેકાણે શાણપણ આવ્યું, અને પતિપર ઉદાસીનપણાને ઠેકાણે આદર થયો. કુમુદસુંદરી પાણિગ્રહણ કરનાર ભાવ ચ્હોટાડવામાં સફળ થઈ આ સર્વ શું ભાગ્યોદય નહી ? કારભાર મળે તેના કરતાં આની મહત્તા શું ઓછી? બુદ્ધિધન અને સૌભાગ્યદેવી:– એ દંપતીને જે સુખની પળ – ભાગ્યની પળ - આવવાની તેનાં સાધનોમાં આ બનાવોનો પણ ભાગ હતો. દેખીતા શત્રુસાથે પુત્રીના દુર્ગુણ અને વહુનો અસંતોષ એ બે ગુપ્ત કુળશત્રુ પણ પળવાર નાશ પામ્યા અને અમાત્યના વિજયના ઉપકારક બન્યા.

વાતોમાં દશેક વાગ્યા અને સૂર્યના કિરણનું સૈન્ય વધારે ચળકતું – વધારે ગરમ થતું – ચોકમાં ધસવા લાગ્યું તેમ તેમ સઉને ઉકળાટ લાગવા માંડ્યો. અને જયવંતને તાપ ન સહેવાતાં સઉ તેને માર્ગ આપવા લાગ્યાં. દયાશંકર થાકી ઉઠ્યા અને દીવાનખાનામાં એક આરામખુરશી પર નિદ્રામાં પડ્યા. સૌભાગ્યદેવી એક હીંચકા પર બેસી પતિની ચિંતામાં પડી. કુમુદસુંદરી મેડી પર ચ્હડી. રસોઈઆને અને ચાકરોને આરંભ કરવાનો હુકમ કરી નણંદ પણ ભોજાઈ પાસે ગઈ.

"ભાભી, આજ દરબારમાં શું થશે ?”

“સઉ સારાં જ વાનાં થશે – આપણી ચિંતાની કાંઈ ત્યાં અસર નહીં થાય. દસ વાગી ગયા હોં !”

“હાસ્તો, હવે કોઈક આવશે. નવીનચંદ્ર આવે–” નવીનચંદ્રનું નામ લેતાં કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડ્યા.

"ભાભી, નવીનચંદ્ર તો કાંઈ આડું અવળું થયું હશે. તો જ આવશે.

"એમ છે કે ?ત્યારે તો કાંઈ સારા વર્તમાન હશે.”