પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હોડી કીનારે આવી અને સઉ લોકો ઝપોઝપ ગાંસડાં પોટલાં લઈ ઉતર્યા. તેમની સાથે એ પણ ઉદાસ અને મન્દ વૃત્તિથી ઉતર્યો. થોડી વાર તે કીનારા ઉપર દાઢીએ હાથ દઈ ઉભો રહ્યો અને આખરે એક દિશામાં ચાલ્યો. લોકો નગર ભણી વળતા હતા; પણ એ એક બીજી દિશાએ ચાલ્યો અને થોડીક વારમાં એક ઝાડપાનવાળા મેદાન વચ્ચે એક મ્હોટા બાંધેલા રસ્તા ઉપર સઉ લોકથી જુદો તથા એકલો પડી, એક મ્હોટા પુલ પર એક એકલ એંજીન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ, જવા લાગ્યો. સામાનમાં તેની સાથે એક ન્હાની સરખી પોટલી હતી. આકાશ, પૃથ્વી, આગળ તથા પાછળ, વારા ફરતી જોતો જોતો તે સ્થિર પગલે ચાલતો હતો. પ્રાત:કાળનો બાલક સૂર્ય તેના આછાં કપડાંવાળાં શરીરને ઠીક લાગતો હતો, તથાપિ કોઈ કોઈ વખત પવનને લીધે તેને હાથનો સ્વસ્તિક*[૧] રચવો પડતો હતો. તોપણ ચાલવાના પરિશ્રમને લીધે તેમ જ તડકાને લીધે તેના વિશાળ કપાળ ઉપર પરસેવાનાં ટીપાંનું જાળ બાઝ્યું હતું. તાપથી તેનું કમળપત્ર જેવું મુખ તથા ગાલ રાતા ચોળ થઈ ગયા હતા. આખરે એક મહાદેવનું દેવાલય આવ્યું તેના દ્વારમાં ચારે પાસ જોતો જોતો તે પેઠો.

આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય (કૌંસીલર) બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીની આસપાસ કાચા પત્થરની પણ ઘણી જુની છોયેલી ભીંત હતી. આ ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, અને તે બારી પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળ, ફુલના છોડ તથા એક બીલીનું વૃક્ષ હતું. વાડાની આસપાસ કાંકળો તથા થોરની વાડ કરી લીધેલી હતી અને તેમાં એક બે છીંડાં રાખેલાં હતાં. ઓસરીની બ્હાર બે બાજુએ મ્હોટા ઓટલા બાંધી લીધેલા હતા, અને જમણી બાજુએ એક ન્હાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કુવો પણ હતો. ઉત્સવને દિવસે ભીડવેળા ઉપર ઉભા રહી મહાદેવનું દર્શન થાય એટલું ઉચું તેનું થાળું હતું. શિવાલયનું દ્વાર પણ પ્રમાણમાં જમીનથી ઉંચું હતું. પણ ઉમ્મર ઉપરથી તેનું ઉચાણ જાણી જોઈને ઓછું રાખવામાં આવેલું હતું તે એવા વિચારથી કે જાણેઅજાણ્યે પણ મંદિરમાં જનારને નીચા નમી દેવને નમસ્કાર કરવા જ પડે. ઓસરી બધેથી લીંપેલી. હતી. પણ વટેમાર્ગુઓને ધર્મશાળાના ઉપયોગમાં આવતી તેથી ઘણે


  1. * સ્વસ્તિક–સાથીઓ. હાથનો સ્વસ્તિક રચવો–અદબ વાળવી.