સર્વે દીવાનખાનામાં ગયાં. વધારે વધારે સાંભળતાં વિદુરપ્રસાદ વધારે વધારે વીગત ક્હેવા લાગ્યો અને ઘડીવાર સર્વનાં મન તેને શરણ રહ્યાં. એમ શરણ ર્હેવાનો અનુભવ અલકકિશોરીને પણ પ્રથમ આજ થયો અને વિદુરપ્રસાદની વાત આજ તેણે પ્રથમ અભિનંદી. વાત કરતાં વેળા વીતી. આખરે ટપાલમાં આવેલો કાગળ વાંચીને ખીસામાં મુકતો મુકતો નવીનચંદ્ર દ્વાર પર દાખલ થયો, અને ચાલતી વાર્ત્તામાં ઉમેરાની આશા રાખતું સર્વ મંડળ એના ભણી આકર્ષાયું. કુમુદસુંદરીનું મન એના ખીસામાં જરીક દેખાતી ટપાલની ટીકીટવાળા કાગળમાં ભમવા લાગ્યું. આજ સુધી કોઈની સાથે નવીનચંદ્રનો પત્રવ્યવહાર તેને જણાયો ન હતો, પત્રવ્યવહાર ઉપરથી તેની બાબત વધારે જણાશે એવો સુંદરીના મનમાં તર્ક હતો, પત્ર ઉપરના અક્ષર-આદિ જાણવા તેની જિજ્ઞાસા હતી, અને આજ એ જિજ્ઞાસા પુરી પડવાનો સંભવ તો નહી – પણ શકયતા લાગી એટલે પોતાના બળથી પતિવ્રતા બનનારી પાછી ડગમગવા લાગી. બળવાન બાળકી તરત સાવધ બની અને પાછું મન વશ કરી લીધું.
જવાના વિચારમાં પડેલા નવીનચંદ્ર ચાલતી વાતોમાં ભળતાં પ્હેલાં – ભળતાં ભળતાં – કુમુદસુંદરીને પોતાના મનથી છેલ્લીવ્હેલી જોઈ લીધી. એકવાર જોઈ – બીજીવાર જોઈ ત્રીજીવાર જોઈ – જોવાનો પાર જ ન આવ્યો. “કુમુદસુંદરી ! હવે આ છેલ્લો મેળાપ !” વિચારમાં ને વિચારમાં તેની વાર્તા અવિચ્છિન્ન ચાલી નહી, પણ તેપર કોઈનું લક્ષ ખેંચાયું નહીં. દૃષ્ટિ આગળથી પણ જુદાં પાડવાનો પ્રસંગ વિચારી તે ગળગળો થવા લાગ્યો. પદ્માના અભિલાષીના કબજામાં પડેલીને જોઈ તેને અંત:પશ્ચાત્તાપ વધ્યો. એની આંખોનું નવીન નૃત્ય, એના વદનમાં દેખાઈ આવતી મનની દીનતા, અને ટપાલનો કાગળઃ ત્રણને સાંધી કુમુદસુંદરી ચિંતાગ્રસ્ત થવા લાગી; “ શું હશે ?” તેનો તર્ક કરવા લાગી, તેના દૃષ્ટિપાતને પ્રત્યુત્તર ન વાળવામાં આજ સુધી જયવંત નીવડેલો નિશ્ચય હાથમાં ન ર્હેતો લાગ્યો, પણ મનનું સમાધાન કરવા રસ્તો ન સુઝચો. અલકકિશોરીને સાધનભૂત કરવામાં ન ફાવેલી કૃષ્ણકલિકા નવીનચંદ્ર સામું જેઈ રહી, તેની દૃષ્ટિની સાથે સંધાતી કુમુદસુંદરીની દ્રષ્ટિને શોધી ક્હાડી, અને ઈર્ષ્યાગ્નિથી બળવા લાગી. દુષ્ટ અસંભવ કલ્પી - કુમુદસુંદરીને નવીનચંદ્રથી મળતું સૌભાગ્ય કલ્પી – એ સૌભાગ્યનો અંત આણવા ઠરાવ કર્યો. સમયસૂચકતાથી, દેખાતા દ્રષ્ટિસંગમ ભણી અલકકિશોરીનું ધ્યાન ખેંચ્યું.