યત્ન કર્યો પણ ઈશ્વરે એને નિષ્ફળ કરી. દોડતાં થાકી ગયેલીને પાછળથી આવી પ્હોંચેલાં માણસોમાંથી એક જણે ધક્કો માર્યો અને ઓટલા પાસે એ સૌભાગ્યદેવીના પગ આગળ દુષ્ટરાયની બ્હેન ઉંધે માથે પડી. પાછળથી એક માણસ “મારો રાંડને ” કરતો આવ્યો અને એના વાંસા ઉપર પગ મુક્યો. દુષ્ટરાયની પાસે ર્હેનાર પોલીસનો એક સીપાઈ ઉભો હતો તેણે પણ આ માણસને વાર્યો નહી. એક પળ વાર વધારે જાત તો ગડદાપાટુનો આરંભ થાત.
ખલકનંદા પડી તેવી જ અલકકિશોરી હાથ ઉંચો કરી બોલી ઉઠી: “મારો રાંડને – એ તો એ જ લાગની.” એમ કહી લોકસંઘ આગળ પડેલીનાં પાછલાં કંઈ કંઈ દુષ્કર્મ સંભારવા લાગી અને જીભ વડે લોકોને ઉશ્કેરવા લાગી. રામસેન સીપાઈ ઘરમાંથી નીકળી બુદ્ધિધનના ઘરની કારભારણ દીકરીના હુકમને અમલ કરવા બહાર આવ્યો. કુષ્ણકલિકા, વનલીલા, અને રાધા પાસે ઉભાં ઉભાં છાનાંમાનાં તાલ જોતાં હતાં.
વૃદ્ધ દયાશંકર પાછળથી જુવાન કિશોરીને વારતા હતા પણ એ તેમનું બોલવું સાંભળતી પણ ન હતી. વિદુરપ્રસાદ અને નવીનચંદ્ર લોકને દૂર રાખવામાં રોકાયા, પણ તેમનું બળ બસ ન થયું.
આખરે સૌભાગ્યદેવી ભમ્મર ચ્હડાવી બોલી ઉઠી: “અલક, તું હવે આઘી જા. આપણે યે એનાં જેવાં થવું ?” વળી લોકો સામું જેઈ બોલીઃ “ચાલો, ચાલો, જાઓ બધા,” “તમારું એણે શું બગાડ્યું છે–” “તમે બાઈ માણસઉપર પગ મુકતાં શરમાતા નથી ?”-“રામસેન, ખસેડ આમને.”
લોકો જરાક ખસ્યા પણ પુરા છાના ન પડ્યા. ઠેકાણે ઠેકાણેથી ગણગણાટ નીકળવા લાગ્યો. “આ તો અમાત્યનાં ઘરવાળાં”- સૌભાગ્ય - દેવી આ જ !” “ મોઈ રાંડ જવા દો એને – દેવી એમ ક્હે છે ” “અરે મારો – એને તે જવા કેમ દેવાય ?” “અલકબ્હેન – બરોબર ક્હે છે – એને તો માર જ ઘટે !” “આ પેલાં અલકકિશોરી !” - “આ દેવીની પાસે ઉભાં છે તે પ્રમાદભાઈના વહુ, હોં ”– એમ જુદાં જુદાં વાક્ય લોકસંઘમાંથી સંભળાવા લાગ્યાં.
અલકકિશેરો માની સાથે લ્હડવા લાગીઃ “દેવી, આજ ત્હારું કહ્યું નહીં માનું – તું તો એવીને એવી ર્હી – તને ખબર છે કે આ રાંડના ઉપર દયા ન ઘટે. પકડ રાંડને – ચોટલે ઝાલીને – રામસેન !”
માદીકરીના હુકમમાંથી કોને માનવો તે રામસેનને સમજાયું નહી. એની સાથે બુદ્ધિધનના બીજા સીપાઈઓ હતા તેનું વલણ અમાત્યપુત્રીનું