લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬


“હા, હા, એને તો એ જ ઘટે - લોકો બુમ પાડી ઉઠયા – મરાવો ગરદન એને.”

“અલકકિશોરી, એમ કરો ત્યારે જ ખરાં તમે !” એક જણે આઘેથી બુમ પાડી. બીજા એક જણે આઘેથી એક કાંકરો ફેંક્યો તે બરોબર ખલકનંદાની પીઠ પર વાગ્યો.

“રામસેન, આ લોકો આમ શું કરતા હશે ? તું વાર એમને–” દયાર્દ્ર મુખ કરી સૌભાગ્યદેવી બોલી.

“બાઈ તમે અમને પુછો નહીં. એ રાંડે જે જે કામ કર્યો છે તે મ્હોંયે કહેવાય એવાં નથી. એને જે કરતાં શરમ નથી આવી તે અમને ક્‌હેતાં શરમ આવે છે.” -“અરે બ્હેન, તમારાં સાસુ નથી, નીકર બધું તમને કહી આપત.” કંઈ કંઈ મર્મો આમ પડવા માંડી. ભાઈની વિષયવાસનાની સાધનભૂત થયેલી બ્હેને કંઈ કંઈ ઘર ફોડ્યાં હતાં, કંઈ કંઈ પુરુષોની મરજી ઉપરાંત તેમની બ્હેનો, દીકરીયો, અને સ્ત્રીયોપર લાલચ, કપટ, જુલમ અને અધિકારની જાળ પાથરી હતી, કંઈ કંઈ ભોળી સ્ત્રીયોને ફસાવી હતી, નિર્દોષને દૂષિત કરી હતી, દૂષિત સ્ત્રીયોની માર્ગદર્શક થઈ હતી. પોતાના સ્વામી શીવાય બીજી કાંઈ બાબતની વાત કરવા સૌભાગ્યદેવી અવકાશ શોધતી ન હતી અને આ અપવિત્ર સંસારમાં એ પોતાના કાનને પણ પવિત્ર રાખી શકી હતી. અર્થાત્ અલકનંદાની સત્તા એને બીચારીને ખબર ન હતી. પોતાના ઉપર થયેલો જુલમ તો તેના અંતઃકરણે ઘણાક દિવસથી માફ કર્યો હતો.

અધીરી અને ઉકળેલી અલકકિશોરી બોલી: “ક્‌હો ભાભી, દેવી તો બોલતી નથી. તમારે શું કરવું છે ?”

“દેવીનું મન તમારાથી સમજાય એમ કયાં નથી ?”

“હા, દેવીનું મન તો જાણીયે જ છીયે તો. આ લોકના હાથમાંથી આને છોડવીયે, ઘરબાર વિનાની થઈ છે તેને આપણા ઘરમાં રાખીયે, અને આપણી સાથે જમાડીયે – તો દેવી રાજી – એને સોનાનો સુરજ ઉગે.”

સૌભાગ્યદેવીનું અંતઃકરણ એની પુત્રીએ ખરેખર ખડું કર્યું. આ શબ્દોથી દેવી પ્રસન્નવદન બની: “કુમુદ, ક્‌હો વારું એમ કરીયે તો શું ખોટું થાય ?”

કુમુદસુંદરી અલકકિશોરી ભણી ફરીને બોલી: “ બ્હેન, માનું કહ્યું કરવું એ દીકરીનું કામ છે.”

“ના, એ હું સમજતી નથી. જુવો, તમે યે વળી એના ભાણી ખરાં !”