પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭


“ના ના, આ તો હું સ્હેજ વાત કહું છું. દેવી, મને લાગે છે કે એમને જુદે ઠેકાણે ચોકીમાં રખાવો ને ત્યાં જ ખાવાનો બંદોબસ્ત કરો. પછી પિતાજી આવશે ત્યારે ઘટતી વ્યવસ્થા કરશે.”

“હા. હવે બરોબરઃ” પિતાને માન આપનાર પુત્રીને આ વાત બાધવિનાની લાગી. પતિવ્રતા દેવીને વહુની સલાહ ઘણી ગમી. લોકને સંતોષ વળ્યો. ખલકનંદા નીચું જોઈ ર્‌હી હતી તેણે ઉંચું ન જોયું. અલકકિશોરીયે હુકમ કર્યો એટલે રામસેન અને બીજા બે સીપાઈઓ વચ્ચે રાખી શઠરાયની દીકરીને થોડેક છેટે એક ખાલી ઘર હતું ત્યાં લઈ ગયા. “હો હો” કરતા લોકો વેરાયા. ખલકનંદાથી જુદાં પડતાં પડતાં અલકકિશોરી એના સામું જેઈ બોલી, “રાંડ ખલકી, ત્હારા અને અમારા કારભારમાં આટલો ફેર ! જા ! ત્હારું મ્હોં કાળું !” આટલું બોલી, તે કોઈની દરકાર વિના અભિમાનભરી ઘરમાં સઉથી પ્હેલી પેંઠી. એની પાછળ એની સહીયરો પેંઠી. ખલકનંદાને રસોઈ કરી આપવા અને એનું કામ કરવા, તથા પુરુષવર્ગ વચ્ચે એને એકલાં ર્‌હેવું ન પડે તે માટે, પોતાની એક વિશ્વાસુ દાસીને એની પાસે મોકલવા કોમળ સ્વરે વહુને સૂચના કરી, તેનો અમલ થઈ ર્‌હેતાં, સૌભાગ્યદેવી આંસુભરી આંખે સઉની પાછળ બારણાં ભણી વળી અને વળતાં વળતાં કુમુદસુંદરીનો હાથ ઝાલી બોલી: “ કુમુદસુંદરી, જોયા વારાફેરા ? શો એનો દિવસ હતો અને શો દિવસ આવ્યો છે ! પ્રભુ કરે તે ખરું ! તમારે તો જન્મે ન હતો તે દિવસની વાત – શી એની જુવાની અને શો એનો તોર હતો ! હળવે સળવે સઉ ઘસાઈ ગયું – અને આખર આ વારો અાવ્યો – પ્રભુ, તું કરે તે ખરું !”

સાસુના અંતઃકરણ ઉપર આસક્ત થતી કુમુદસુંદરી પ્રસન્ન વિચારમાં પડી સઉથી છેલી ઘરમાં પેઠી. ઘરમાં સર્વે મેડી પર ચ્હડ્યાં હતાં. દાદરપર ચ્હડતાં ચ્હડતાં પગથીયાં પર દેાડાદેાડમાં નવીનચંદ્રનો કાગળ ખીસામાંથી પડી ગયો હતો તે પ૨ કુમુદસુંદરીની નજર પડી અને ઉચકી લીધો. મેડી ઉપર ચ્હડી તો ખલકનંદાની વાતો થતી અને માદીકરીમાંથી કોનો વિચાર સારો હતો તે વિષય ચર્ચાતો હતો. એટલામાં બારણે પગરવ સંભળાયો અને બારીયે જુવે છે તો કેટલાંક માણસો આવતાં જણાયાં. શઠરાયનો અસ્ત સંપૂર્ણ થયો અને બુદ્ધિધનને કારભાર મળ્યો જ સમજવો જાણી - હવે એની પાસે આવવાની જરુર લાગ્યાથી – અમલદારમંડળ દરબા૨ના સમાચાર સાંભળવા અને નવા કારભારીની સેવામાં ખડું ર્‌હેવા જમી કરી બીજું કામ પડતું મુકી એને ઘેર આવ્યું અને બારણા આગળ ઉભું રહ્યું.