સુંદરીને હાથે હાથ છાનોમાનો આપવો. વનલીલા આ બે બ્હેનોની પીયરભણીની સગી હતી અને ગામના સમાચાર ક્હેવાને બ્હાને આવી આજ જ છાનોમાનો કુમુદસુંદરીના હાથમાં તેણે તે મુકી દીધો હતો અને કાનમાં કાગળ સંબંધી સમાચાર કહ્યા હતા. એકાંત હાથમાં આવ્યું એટલે એ કાગળ વાંચવા લાગી. નિઃશ્વાસ નાંખતી નાંખતી કુમુદસુંદરી સરસ્વતીચંદ્રના સમાચાર વાંચવા લાગી. પ્રમાદધન ઉપર જ મન ચ્હોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું.
સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબાઈનો ધનાઢ્ય વ્યાપારી હતો અને દસ બાર લાખ રુપિયાનો ધણી હતો. સાધારણ વ્યાપારીયો ભણે છે તેથી વધારે એ ભણ્યો ન હતો, પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મીનંદનનામાં આવ્યા હતા. ચંદ્રલક્ષ્મીની સાસુ ઈશ્વરકોર સ્વભાવે તીખી હતી, દીકરા ઉપર વહુનું ચલણ સાંખી શકતી ન હતી, ઘરમાં પોતાનું જ ધાર્યું કરતી અને પોતાનું જ ધાર્યું થાય છે એ, વહુને બાળી મુકવાના હેતુથી, દેખાઈ આવે એમ કરતી, ચંદ્રલક્ષ્મી મ્હોટું પેટ રાખી ઘુંટડા ગળી જતી અને સાસુનો સ્વભાવ મનમાં પણ આણતી ન હતી. લક્ષ્મીનંદનની અાથી તેના ઉપર પ્રીતિ વધી હતી અને સરસ્વતીચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં માન વધ્યાં. પણ પુત્ર ચાર પાંચ વર્ષનો થયો એટલે ચંદ્રલક્ષ્મી ગુજરી ગઈ અને તે જ દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવતી જતી થઈ ત્યાં સુધી સરસ્વતીચંદ્ર બાપુ અને વડીયાઈના હાથમાં ઉછર્યો. એને ખોળામાં રાખી ચંદ્રલક્ષ્મીની જોડે બેસી – સજોડે – લક્ષ્મીનંદને એક છબી પડાવી હતી. મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હીમ્મત ચલાવી હતી પણ છબી પડાવ્યાની ખબર પડ્યા પછી ઈશ્વર કોરે વહુની બેશરમાઈ બાબત મહીના સુધી જુદ્ધ ચલાવ્યું હતું પરંતુ દીકરાની બેશરમાઈ તેના મનમાં વસી ન હતી. લક્ષ્મીનંદને અા છબી પોતાની મેડીમાં રાખી હતી, પણ વહુ ગયા પછી માયે બ્હાર ક્હડાવી “મોઈ ભેંશના મ્હોટા ડોળા ” એ ગામડીયા કહેવત પ્રમાણે મરેલી વહુને સંભારી ડોશી બહુ રડતી હતી અને એ છબી બાળક સરસ્વતીચંદ્રને બતાવ્યાં કરતી હતી. એમ કરતાં કરતાં ગુમાન ઘેર અાવી. તે હલકા કુટુંબની હતી, અને હોરમાણ દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વેર રાખતી હતી. હોરમાણ દીકરા ઉપર પ્રીતિ રાખવી એ તો ખોટું એમ ગુમાનને એની માયે જ શીખવ્યું હતું.
લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન