આપવાનો તેને શોખ હોવાથી અને ઉત્તેજનથી મ્હોટા થયેલા ઘણાક વિદ્વાનો તેના આભારી હોવાથી તેને ઘેર વિદ્વાનોનું મંડળ ભરાતું, તેમના સંસ્કાર એનામાં પ્રસંગદ્વારા આવ્યા હતા, અને ન્હાના – મ્હોટા – ભણેલા – તથા ભણનારા –ની પ્રીતિનું પાત્ર, આ વિદ્યારસને લીધે, તે અધિક બન્યો હતો. આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્વાનોના ખોળામાં પડવા લાગ્યો અને ચંદ્રલક્ષ્મીની કાન્તિ જાળવનારું તેનું મધુર હસતું મ્હોં સર્વને પ્રિય લાગતું હતું. પિતાના આશ્રિત વિદ્યાર્થીયોયે બાળકને રમતમાં જ વિદ્યારસિક કર્યો. ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિમાં ઉછરવાના રોગથી બચી નિર્મળ સંગતિમાં ઉછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર ર્હેતો લાભ લક્ષ્મીનંદનના ભાગ્યશાળી પુત્રને ઈશ્વરે આપ્યો.
ચંદ્રકાંત નામના અતિશય રંક પણ બુદ્ધિવાળા અને વિદ્યાના હોંસીલા સમોવડીયા વિદ્યાર્થી સાથે સરસ્વતીચંદ્રને લઘુવયમાં મિત્રતા બંધાઈ અને શાળામાં પણ સહાધ્યાયી હોવાથી પરસ્પરને લાભ આપતી મિત્રતા વય વધતાં વધારે વધારે ગાઢ થઈ. ઘણાક વિદ્યાથીંયોની મિત્રતા બંધાઈ સરી પડી પણ આ મિત્રતા દિને દિને વજ્રલેપ બનવા લાગી.
લક્ષ્મીનંદન સંગતિને લીધે કાંઈક ઈંગ્રેજી પણ બોલતો લખતો હતો, મુંબાઈના નગરસુધારક સમાજનો સભાસદ હતો, કાપડ વણવાના એક બે યંત્રની કંપનિયોમાં અગ્રેસર હતો, ગુપ્ત તથા દેખીતો પરમાર્થ ઘણોક રાખતો, પરમાર્થમાં સ્વાર્થ પણ રાખતો, લોકેષણાનો લોભી હતો, ઈંગ્રેજ વ્યાપારીયો તથા અમલદારોનો પ્રસંગ રાખતો, તેમને પોતાને ઘેર નવા નવા પ્રસંગ ઉત્પન્ન કરી બોલાવતો અને રીઝવતો, અને તેને બદલામાં દેખીતું માન સર્વે આપતા. ગવર્નર સાહેબની “લેવ્હી”માં તે જતો અને “ઈવનિંગ પાર્ટી"માં તેને આમંત્રણ થતું. આ સર્વ હકીકત વર્તમાનપત્રોમાં આવવી રહી જતી નહી.
“ધિ બૉમ્બે લાઈટ્” પત્રનો તંત્રી પ્રખ્યાત વિદ્વાન બુલ્વરસાહેબ, “ગૂર્જરવાર્ત્તિક” ચોપાનિયાનો તંત્રી ઉદ્ધતલાલ, મુંબાઈનો પ્રખ્યાત નગરપ્રિય કવિ તરંગશકર, ઉછરતો રંક ગ્રંથકાર શાંતિશર્મા, દક્ષિણી દેશવત્સલ વીરરાવ ધમ્પાટે, અને પારસી ભાષણ - યોદ્ધો સમરશે૨જી, એવા એવા અનેક ગૃહસ્થોનો લક્ષ્મીનંદનને પ્રસંગ હતો. સેક્રેટરિયેટના એક અમલદારની વગથી શેઠ લક્ષ્મીનંદન જસ્ટિસ આવ્ ધિ પીસ્ બન્યા હતા.