ઠેકાણેથી લીંપણ ઉખડી ગયેલું તેના ઉપર થીંગડાં દીધાં હતાં. ઓસરીની
ભીંતો ઉપર વટેમાર્ગુઓએ, પોતાનાં નામ અમર રાખવા અથવા પ્રસિદ્ધ
કરવાના હેતુથી, અથવા માત્ર અટકચાળાપણાથી, ખડી, ઈંટાળા, કોયલા
વગેરેથી લખેલાં હતાં અને કોઈ કોઈ ઠેકાણે તે ખીલા વગેરેથી કોતરેલાં
હતાં. આ આલેખોમાં ગામડીયા કવિતા, શુદ્ધ અશુદ્ધ શ્લોક, કહેવતો,
અશ્લીલ ગાળો, ધર્મશાળાના ધણીને આશીર્વાદો, સૂચનાઓ, ધમકીઓ,
કંઈ કંઈ બનાવોની તિથિઓ, દેવ વગેરેનાં સારાં નરસાં ચિત્રો, ઇત્યાદિ
ડગલે ડગલે જોવામાં આવતાં. ચોકની વચ્ચે શિવાલય, સાધારણ ઘાટનું,
અને દશ બાર પગથીયાં, ઓટલા, પોઠિયો વગેરે સામગ્રીસમેત હતું.
દ્વારમાં પેસતાંમાં જ નવો આવેલો તરુણ, ચારે પાસ તેમ જ દેવાલયના ગર્ભદ્વારમાં દૃષ્ટિ ફેરવી, પગથીયાં પર ચ્હડી, બહારના ઘુમટમાં લટકાવેલો ઘંટ વગાડી, દેવને નમસ્કાર કર્યા જેવું કરી, ગર્ભદ્વારમાં ઉમરા ઉપર બેઠો અને પોટલી મ્હોં આગળ મુકી; પણ અંદર પૂજારી મહિમન્નો પાઠ ભણી રુદ્રી કરતો હતો તેણે તેના સામું જોઈ સાન કરી કે તરત ઉમ્મર બ્હાર હેઠળ બેઠો.
પૂજારી ત્રીશ પાંત્રીશની વયનો એક તપોધન હતો. તેની હજામત વધી ગયલી હતી અને બેભાન તથા જડ માણસ જેવો દેખાતો હતો. પણ અમાત્યના ઘરનો સહવાસી હોવાથી તથા તેના ચાકરોના અનુકરણની લઢણ પડવાથી તે જરી જરી સભ્યતા શીખ્યો હતો; ગ્રામ્ય ભાષા તેને સહજ હતી તોપણ તેમાં વાક્ચાતુર્યનાં ચોરેલાં થીગડાં મારતો. લાંબું લાંબું બોલવાની ટેવ રાખતો, સવાસલાં તથા ખુશામત કરવા જતો, ન્હાના વિષયોમાં મ્હોટાઓનું ધ્યાન ચુકાવી કપટ કરી ફાવી જતો, મ્હોટા વિષયોમાં કપટ કરવા જતાં પકડાઈ જતો, ન્હાનાં તથા અજાણ્યાં માણસોને મ્હોટાંને નામે ધમકાવી સીરજોરી કરી અભિમાન પામતો, અમાત્યનાં માણસો સાથે ઘડીમાં ૯હડતો અને ઘડીમાં નીચ મસલતોમાં ભળતો, અને અમાત્યના કુટુંબવર્ગમાં ગરીબ પૂજારીનો દાવો કરી લાચારી બતાવી ધાર્યું કરવા પામતો હતો. આવું છતાં તેને ભોળો અને બેવકુફ ગણી અમાત્ય તેનો નીભાવ કરતો.
નવા તરુણને જોઈ પૂજારી મૂર્ખદત્તે રુદ્રીનો ઢોંગ વધાર્યો, જળાધારીમાં અભિષેકથી રેલ આણી, બાણ ઉપર ફુલબીલીને ઢગ રચ્યો અને સ્તવન કરતાં અશુદ્ધ ગર્જના કરવા લાગ્યો. આ મંદિર નગરથી દૂર હોવાને લીધે તેમાં કોઈ આવતું નહીં; પણ શિવરાત્રિ પાસે આવવાથી