આ સર્વ સત્તાને લીધે શેઠની રજવાડામાં પણ સારી પ્રતિષ્ઠા હતી. ૨ત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કાંઈ કામપ્રસંગે મુંબાઈ આવતો ત્યારે સ્વજ્ઞાતિના પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીનંદનને ત્યાં જ ઉતરતો. શેઠનો પુત્ર સરસ્વતીચંદ્ર વિદ્યાર્થી અવસ્થા સમયે જ વિદ્યાચતુરના પ્રસંગમાં પુષ્કળ આવી ગયો અને એ બાળકની બુદ્ધિ, વિદ્યાની હોંશ, નમ્રતા, વિનય, શુદ્ધ અંતઃકરણ, સંગતિ, મધુરતા અને એવા એવા ગુણો નિત્યના પ્રસંગે વિદ્યાચતુરના અંત:કરણમાં વસી ગયા. તેમાં ચંદ્રલક્ષ્મીની કાંતિવાળું સ્મિતભર્યું, ગૌર ૨મણીય વદન તેને ઘણું પ્રિય લાગ્યું.
“હુવા તો વિવાહ” એ પ્રમાણે આવા ધનાઢ્યનો આવો પુત્ર પારણામાંથી જ પરખાવો જોઈતો હતો, પણ કાંઈ કારણથી ચારપાંચ વર્ષ વિવાહવિના વીતી ગયાં. ત્યારપછી કોઈ વિવાહ કરવા આવતું તેને ગુમાન બ્હારોબ્હાર વીદાય કરી મુકતી હતી અને લક્ષ્મીનંદન સુધી વાત જવા ન દેતી. ડોશીમા ઘણું મથતી પણું ગુમાનના ટકોરા ન વેઠાવાથી સઉ કોઈ આવ્યું – જતું ર્હેતું. આખરે ડોશીયે માથાની થઈ લક્ષ્મીનંદનને સઉ વાત કહી તો ઉત્તર એ મળ્યો કે ન્હાનપણમાંથી છોકરાને લફરું વળગાડવાની જરુર નથી. આખરે સરસ્વતીચંદ્ર પંદરસોળ વર્ષનો થયો તેવામાં ગુમાનને પુત્ર પ્રસવ્યો અને તેનો વિવાહ તરત જ થયો તેમાં લક્ષમીનંદને કાંઈ બાધ દેખાડ્યો નહી. આથી ડોશીનું માથું ફરી ગયું, લક્ષ્મીનંદનને ફટકાર કરી મ્હેણું દીધું, અને શરમાયલે મ્હોંયે તેણે કન્યા શોધવાનું સ્વીકાર્યું. એવામાં રત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કાંઈ કામ સારું મુંબાઈ આવ્યો અને નિયમ પ્રમાણે જ પ્રથમની પેઠે લક્ષ્મીનંદનને ત્યાં ઉતર્યો. ત્યાં થોડાક દિવસ રહ્યો એ અરસામાં ઘરમાં હરતા ફરતા વિદ્યાર્થી, સરસ્વતીચંદ્રનો વધેલો વિદ્યાભ્યાસ, તેની હવે ખીલેલી બુદ્ધિ, સર્વકળાધર સ્વરૂપ, ઈત્યાદિ સર્વ એને ગમી ગયું અને પોતાની પુત્રી કુમુદસુંદરી સારું વર શોધતો હતો તે સુઝી આવ્યોઃ પણ મ્હોટા માણસને મ્હોંયે એકદમ વાત કરવા પહેલાં ડોશીની સલાહ માગી. ડોશી તો તૈયાર જ હતી અને લક્ષ્મીનંદને વિવાહ સ્વીકાર્યો. માત્ર ગુમાન અંતરમાંથી બળી, પણ પુરુષોએ માંહોમાંહે મળી જઈ કામ કર્યું અને સ્ત્રીવર્ગ વેગળો રહ્યો લાગ્યો એટલે ચુંમાઈને બેસી રહી. વિદ્યાચતુર જેવો વેવાહી, કુમુદસુંદરી જેવી કન્યા, અને બીજી સર્વ વાત રુચતી લાગવાથી માત્ર પંદર વર્ષ કુમારો રહ્યો તેનું સાટું વળી ગયું સમજી વત્સલ ડોશી આનંદપ્રફુલ્લ બની, ગુમાન ઉભી હોય ત્યારે બમણો આનંદ બતાવવા અને જોડાનાં વખાણ કરવા લાગી, અને પૌત્રને એકાંતમાં વારંવાર