પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
ત્‍હારી સાથે મ્હારે ૨જ પણ પરિચય–પ્રસંગ–પડ્યો નથી, તે છતાં આ આવો પત્ર મ્હારાથી કાંઈક લખી જ જવાય છે અને મ્હારું આત્મસંતુષ્ટ ચિત્ત ત્‍હારા પુનરુત્તરનો લોભ આગ્રહથી રાખે છે ! લોકો જેને સ્નેહ ક્‌હે છે તે શું આ જ હશે ? સ્વયંભૂ અને મનસિજ તે શું આ જ હશે ? કઠિન અંતઃકરણ ઉપર પણ બળાત્કાર કરવામાં તે અાટલો ફાવી ગયો લાગે છે તે શું ખરી વાત ? ”
“ લી. હવે તો ત્હારો જ સરસ્વતીચંદ્ર.”

અનુભવ તે કેવળ જ્ઞાન અને વિચારથી કાંઈક જુદી જ વસ્તુ છે એ હવે સરસ્વતીચંદ્રને સિદ્ધ થવા લાગ્યું. આ સિદ્ધિ ૨મણીય તેમ ભયંકર હતી. તેના આગળ માનસિક વૈરાગ્યનો લોપ થયો અને સટે આખા શરીરનો અને મનનો નવા સંસારમાં જન્મ થયો. “ કુમુદ મ્હારી અને હું ત્‍હેનો ” એ સ્વપ્ને મસ્તિકને ધમધમાવી મુક્યું. જ્ઞાનની પ્રૌઢતા સ્નેહની રસવૃત્તિઆગળ મસ્તિક નમાવતી લાગી. એમ કરતાં કરતાં કાંઈ નિમિત્ત ક્‌હાડી સરસ્વતીચંદ્ર રત્નપુરી ગયો અને વિદ્યાચતુરના સ્નેહનો સત્કાર પામ્યો. કુમુદસુંદરીને તેણે દૃષ્ટિપાતથી ઓળખી લીધી અને વિદ્યાચતુર દરબારમાં ગયા પછી બપ્પોરે એકાંત શોધી ધ્રુજતી શરમાતી કુમુદસુંદરી સોડીયું વાળી ચોરની પેઠે સરસ્વતીચંદ્રને ઉતરવા આપેલી મેડીમાં અનિવાર્ય સ્નેહની પ્રેરી પોતાની મેળે છાનીમાની આવી ઉભી. માતાની રજા વિના તે અાવી - રજા લેવા વિચાર પણ ન કર્યો અને આવી.

સરસ્વતીચંદ્ર એક ટેબલ આગળ બેસી ચંદ્રકાંતને પત્ર લખતો હતો. કુમુદસુંદરી ભણી તેની પીઠ હતી એટલે એ આવી જાણી નહીં. કુમુદસુંદરી તેની દૃષ્ટિ પડે તેમ ટેબલની જમણીપાસ ભીંતમાં લપાતી ઉભી, પણ એની બોલવાની શક્તિ જતી રહી હોય એમ થયું અને પત્રમાં મગ્ન બોલાવનારે એના ભણી જોયું નહી. એટલામાં હાર હલાવતાં સોડીયું સજડ કરતાં કુમુદસુંદરીનો ઘસારો સંભળાયો અને ચમકી સરસ્વતીચંદ્રે તેના ભણી જોયું, રોમાંચ અનુભવ્યો અને મુંબાઈની પાઠશાળાનો વિદ્વાન ધનાઢ્ય લક્ષ્મીનંદન શેઠને પ્રખ્યાત પુત્ર, સુંદરી કન્યાની લલિત લાવણ્યમય પાંદડી જેવી મુખકળા અને મુગ્ધ શરીરકળી જોઈ સ્તબ્ધ બની ગયો, અને થોડીક વાર તો ઉભયમાંથી એક જણે પણ શબ્દ ઉચ્ચાર્યો નહી, અાંખ પલકારી નહીં, અને સામી અાંખ વિના બીજા કોઈને અને જગતને તો શું પણ પોતાને પણ સ્મરણમાં પણ રાખી શકાયું નહીં. આટલા બધા ઉમળકાવાળાને બોલવાનો