વિષય તો શું જડે પણ બોલવાનું સુઝ્યું પણ નહી. કન્યા બીચારી મુગ્ધ હતી. આવા વરને આવું થાય તો એ કન્યાને થાય તેમાં શી નવાઈ? આખરે ભાન આવ્યું હોય, જાગ્યો હોય, તેમ સરસ્વતીચંદ્ર પરવશ ઓઠ ઉઘાડી બોલ્યોઃ
“મ્હેં એક બે પુસ્તક રચેલાં છે તે આણ્યાં છે.” કહી પુસ્તક આપ્યાં. એક હાથવતે પુસ્તક લેઈ છાતી આગળ ઝાલી રાખી કુમુદસુંદરીયે સોડીયામાં સંતાડ્યાં અને પોતાના તથા પતિના અંગુઠા ઉપર વારા ફરતી નીચી નજરે જોઈ ૨હી-બોલી નહી.
પુસ્તક અાપતાં લેતાં એક બીજાની અાંગળીયોને સ્પર્શ થયો. જળથી ભરેલો મેઘ અચિન્ત્યો ઉજાસ મારવા માંડે તેમ રસથી ભરાતા સરસ્વતીચંદ્રનું મુખ ઉજ્વળ બન્યું. મળસ્કાના સ્વચ્છ આકાશનો પૂર્વ પ્રદેશ સૂર્યકરના નવા સ્પર્શથી સળગી ઉઠે તેમ કુમુદસુંદરીના ગોરા રુપેરી ગાલ પર લજ્જાભરી રતાશ ચ્હડી અાવી. ઉભયનાં પરસ્પર અવલોકનથી રસે રસને વધાર્યો. પરંતુ મુગ્ધા નીચું જ જોઈ રહી. પુરુષ ધૃષ્ટ બન્યો અને વાર્તાનો વિષય શોધ્યો.
“હવે ઈશ્વર કરશે તો તું થોડા સમયમાં મુંબાઈવાસી થઈશ.”
ઉત્તર ન મળ્યો.
"આ પુસ્તકો આજ જ જોયાં કે પ્રથમ જોયાં હતાં ? ”
ઉત્તર કોણ આપે ?
“આવા સુંદર પત્ર તો આટલા બધા લખાયા અને આ તો મુખથી અક્ષર પણ નીકળતો નથી !”
પ્રતિમા જેવીના મુખથી અક્ષર ન જ નીકળ્યો.
“કુમુદ ! – મ્હારી કુમુદ ” – સરસ્વતીચંદ્ર ઉભો થયો.
પોતાના નામાક્ષર પ્રિયમુખમાં સાંભળી મુગ્ધા અાનંદમાં ડુબી, નવીન ઉત્કર્ષથી ફુલતી ધ્રુજવા લાગી, અને પ્રિયને ઉઠતો જોઈ નિરુપાય બનતી લજજા શેરડારૂપે ગાલ ઉપર પડી તેના બળથી, દીન બની હતું એટલું બળ બોલવાનું સાહસ કરવામાં અજમાવ્યું અને ઉંડા પાતાળમાં ઉતરી પડતી હોય એવો વિકાર અનુભવતી ધીમે સુંદર સાદે બોલી:
“ આપે અત્રે ર્હેવાનો વખત ઘણો થોડો જ રાખ્યો.”
ચાંદીની ઘુઘરીઓવાળા નૂપુરમાંથી રણકાર ઝીણો ઝીણો નીકળે, મૂર્છનાસમયે સારંગીના તાર સ્વર કરી ર્હે તેમ શુદ્ધ મોતી જેવા – હીરા