લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬

લખીને મુક્યો હશે તે વાથી ઉડતો ઉડતો મ્હારી મેડીમાં આવ્યો. આપવા જાઉં તો મ્હારે માથે ચોરી મુકે. માટે તમને આપું છું અને મરજી પડે તે કરો. પરણ્યાં તો આપણે યે છીયે અને હું યે ભાઈ કરતાં બે વર્ષે ન્હાની છું - પણ આજથી આવા બાયલા કાગળ લખવા ન ઘટે. બાયડી તે ભાઈને જ હશે કે બીજા કોઈને યે હશે ? ”

શેઠ જરા શાંત પડ્યા, પણ ક્રોધ ઉતરતાં ઉતરતાં કાંઈક વાર લાગી અને એટલામાં કાગળના અક્ષરો ઉપર કાંઈક દ્રષ્ટિ પણ પડી હશે. અંતે ધીમા પડી એ બો૯યા, “એ ગમે તેવા કાગળ લખે તેમાં મ્હારું શું ગયું ? હોય, છોકરાં છે તે ગમે તે કરે. કોઈ પારકી બાયડીને તો નથી લખ્યો ?”

“હા એ ખરું. મ્હારો કાંઈ દોષ હોય ત્યારે હું ઘરડી અને ભાઈ વાંક કરે તો બાળક પણ હશે એ તો જે હોય તે. હું તો કાંઈ કામસર બતાવું છું તે જુવો જોવું હોય તો. ન જેવું હોય તો મરજી. અમારો કોઈ ભાવ પુછનાર છે ?” – કરી ડુસકાં ભરતી પાછી ફરી અને જવા લાગી.

શેઠે તેને ગણકારી નહીં, જવા દીધી, અને તારમાં મન પરોવતા પરોવતા બરબડ્યા, “કોણ જાણે આ ઈશ્વરે તે બઈરાની જાત ક્યાંથી કરી હશે ? મૂર્ખ – મૂર્ખ – છેવટ સુધી મૂર્ખ – નખથી તે શિખ સુધી મૂર્ખ !” ગુમાન મૂર્ખ જ છે એટલું શેઠને ભાન હતું – તે શઠ નથી એવું સ્વાભાવિક પક્ષપાતે મનમાં વસાવ્યું હતું. મૂર્ખતા માફ કરવા લાયક લાગતી પણ કોઈ વાર તો કંટાળતા.

પોતાને ગાંઠી નહી – શેઠ મનાવતા નથી – જાણી ગુમાન મિષ ક્‌હાડી આંંખો લ્હોતી ૯હોતી પાછી આવી અને બારણામાં ઉભી. શેઠનું ચિત્ત તા૨માં હતું. લક્ષ ખેંચવા ઉભી ઉભી ડુસકાં બંધ કરવા યત્ન કરતી દેખાવા લાગી, કમાડ ઉઘાડ અડકાવ કરવા લાગી, અને ઉંડા સંભળાય એવા નિઃશ્વાસ મુકવા લાગી. શેઠને તેને ઘસારો લાગ્યો, તેના ભણી નજ૨ કરી, અને જરાક દયાનો અંશ ઉત્પન્ન થતાં પુછ્યું, “કેમ અહીયાં ઉભી છે ? આવ, આવ, હવે. છાની ર્‌હે. જો હવે આવું કામ ન કરીશ. એમાં રડે છે શું ? આ કાગળ બતાવ્યાથી તને શું ફળ હતું ?”

ગુમાન પાછો આવી – આંખો ફુલાવી શેઠના સામી ખુરશી પર બેઠી. શેઠને દયા આવી. જાતે ઉઠી બારણું વાસી ગુમાન બેઠી હતી તેની સાથે તેની તે ખુરશી પર બેઠા અને મનાવવા લાગ્યા. ગુમાને ખેલ જોઈ બમણું માન ધાર્યું અને આખરે બોલીઃ