વધારો ઘટાડો કરી પાંચ છ હજારનું ખરચ કરી મનસ્વીરીતે તેણે એ શણગાર્યો અને એક ભીંત ઉપર કુમુદસુંદરીની એક મ્હોટી છવિ (છબિ) રંગાવી તથા રમણીય હાથીદાંતના આસનમાં જડાવી મુકી. તે આસનની ચારે પાસ કોતરકામ હતું અને તેમાં તથા છવિમાં મળી બે ચાર હજારનું ખરચ થયું. ચંદ્રકાંતના ખભા ઉપર હાથ મુકી સરસ્વતીચંદ્ર જુગના જુગ વીતતા સુધી એ છબિ સામું જોઈ રહેતો અને આનંદમય અનિમિષ બનતો. તેનો ભૂતકાળનો વૈરાગ્ય સંભારી ચંદ્રકાંત મિત્રની પુષ્કળ મશ્કરી કરતો. સરસ્વતીચંદ્ર ઉત્તરમાં માત્ર હસતો જ. તે પોતાની પત્નીવ્રત વૃત્તિને શ્લાધ્ય ગણતો અને તેને સતેજ કરવી એ પોતાનો ધર્મ ગણતો. વિચાર વૃત્તિને અનુસરે છે. કાંઈ અધુરું હોય તે પુરું કરવાને સરસ્વતીચંદ્રે એક હીરાની મુદ્રા કરાવી.
આ મુદ્રામાં એક સુશોભિત પાસાંવાળો જળજેવો નિર્મળ મ્હોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં જડ્યો હતો. વળી એવી ગોઠવણ કરી હતી કે આ આસન એક ચાંપવતે ઉઘડતું હતું અને ઉઘડતાં બીજી પાસ એક સૂક્ષ્મ મીજાગરાના આધારે હીરા સહિત છુટું. ન પડતાં લટકતું હતું. તે આસન ઉઘડતાં નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જ જગામાં સરસ્વતીચંદ્રના ઉત્તમાંગની [૧] એક સૂક્ષ્મ સુંદર હસતી છબિ હતી. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબિ અદ્રશ્ય ર્હેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી અને તેનું મૂલ્ય પાંચ હજાર રુપિયાનું થતું. આમ સઉ મળી પંદર વીશ હજાર રુપિઆ ખરચી નાંખતાં લક્ષાધિપતિના પુત્રે કાંઈ આંચકો ખાધો નહી. કુમુદસુંદરીને સારું આટલું ખર્ચ કરવું તેમાં એને કાંઈ મ્હોટી વાત લાગી નહી. ચંદ્રકાંત મ્હોંયે તેને ઘેલો થઈ ગયો ક્હેતો પણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં જ ક્હેતો કે “ આહા ! મ્હોટાનું ભાગ્ય મ્હોટું જ ! આટલું દ્રવ્ય, તે છતાં આટલું નિર્મળ અને નિરભિમાની મન, આટલી વિદ્યા, આટલી કીર્તિ, આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ ! – કેવો ભાગ્યશાળી મિત્ર – ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખે !” તેને બીચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપટમાં ભાગ્ય, દુર્ભાગ્ય એ એક જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે.
આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા. તેણે શેઠને કહ્યા અને ભાઈ સ્ત્રીવશ બની સર્વ દ્રવ્ય વેડફી મારશે તે પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી સિદ્ધ કરી આપ્યું.
- ↑ ૧. માથું.