પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩

કહેલું, સર્વ આમ ખરું પડતું જાય છે – મ્હારો વિશ્વાસ ખોટો પડ્યો – હવે એનું કહ્યું માન્યા વિના કેમ ચાલે ?” – શેઠે પોતાના મનને પુછ્યું અને તેમાં ભરાયેલા ભૂતે પ્રતિધ્વનિ કરીને જ ઉત્તર આપ્યો.

શેઠ એક સૂત્રયંત્ર (સુતરની મિલ)ના મૂળ વ્યવસ્થાપક હતા. એક બે વર્ષ થયાં પોતાને ઠેકાણે મ્હોટા પુત્રને દાખલ કર્યો હતો. હવે એવો વિચાર કર્યો કે તરત પુત્રના હાથ નીચે ધૂર્તલાલને દાખલ કરવો અને કાળક્રમે એને સંયુક્ત (જૉઈંટ) બનાવવા. તરત પાર પાડવા જેટલી ઈચ્છા પુત્રને કહી બતાવી. પાછલી ઈચ્છાનું ફળ - ધનનંદનનો સ્વાર્થે જળવાશે એવું – ધાર્યું. સરસ્વતીચંદ્ર ઉપર અંકુશ મુકવાની ઈચ્છા તો પિતાની આંખે પુત્રે જોયું હત તો તરત જણાત. પણ તેની આંખ તેવી હતી નહી. એ આંખમાં તો ભરપૂર વિશ્વાસ હતો. સર્વ પ્રપંચ–બળ વિશ્વાસઘાતમાં પર્યાપ્ત થાય છે, એકનો વિશ્વાસ એ બીજાની શક્તિ છે, સારાની સારાશ એ નરસાને ફાવી જવાનું સ્થાન છે ! સામે સારો નીવડે ત્યાંસુધી તેને નરસો જ ગણી વર્તવું એમાં ક્ષેમકા૨ક સાવધાનપણું આવી જાય છે એવી એવી ઘણી ફહેવતો સરસ્વતીચંદ્રને ખબર હતી; પરંતુ તેને અનુભવમાં આણવાનો પ્રસંગ તેણે કલ્પ્યો ન હતો. “મ્હારી સાથે મ્હારા પિતા દાવપેચ રમે છે” – આ વિચાર તાતવત્સલ પુત્રના મનમાં કેમ જન્મવા પામે ? પિતાએ જે ઈચ્છા જણાવી તેનો તેણે શુદ્ધ અંતઃકરણથી ઉત્તર આપ્યો.

"પિતાજી, ધૂર્તલાલ આપણો સંબંધી છે અને આપણે બને તેટલું એનું હિત ઈચ્છવું જેઈએ. પરંતુ એની વૃત્તિ અને વર્તણુંક આપને ખબર નથી એમ નથી. આપણે ઉચ્ચ અને પ્રામાણિક મનુષ્ય સાથે જ ફાવે એમ છે. તેમ ન કરવાની શિક્ષા આપણને થશે. આપણા દ્રવ્યની હાનિ થાય તો હરકત નહી પણ સૂત્રયંત્રનાં ભાગસ્વામીયો (શેર્‌હોલ્ડરો)ને હાનિ ન થવી જોઈએ, અને દ્રવ્યને હરકત થાય તો હરકત નહી પણ પ્રતિષ્ઠામાં ન્યૂનતા ન પડવી જોઈએ. જો ધૂર્તલાલને કાંઈ કામે જ વળગાડવો હોય તો આપણા ઘરમાં ઘરના વ્યાપારમાં ક્યાં સમાસ થાય એમ નથી? એને બે પૈસાની પ્રાપ્તિ કરી આપવાના બીજા નિર્દોષ માર્ગ ક્યાં નથી? ગુમાનબાને સંતોષ મળે, ધૂર્તલાલ સુમાર્ગે કાંઈ પ્રાપ્તિ કરે અને આપણને હરકત ન થાય – એવા માર્ગ છે.” આ ભાષણ નિશ્ચિત-સિદ્ધાન્તિને ઠીક ન પડ્યું. તેને વધારે શંકા થઈ.

“ભાઈ બસ, મ્હારા મનમાં એ જ છે કે આમ કરવું.”

"પણ કાંઈ યોગ્ય કા૨ણસ૨ ક૨વું એ ઉચિત છે."

“કારણ મ્હારી ઇચ્છા.”