લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫

સગીર મટતાં સરસ્વતીચંદ્રે શેર-ઈત્યાદિ વ્યાપારમાં તે દ્રવ્ય નાખ્યું. હાલે એમ થયું હતું કે રશિયા સાથે લ્હડાઈની કિંવદંતી (જન–વાર્તા) ચાલતી હતી અને લોનની ખરીદી બંધ થવા જેવી થઈ અને ભાવ બેસી ગયા. સરસ્વતીચંદ્રવાળા શેરના ભાવ ઘણા જ ચ્હડી ગયા અને તેને ઘણો લાભ મળ્યો. શેઠના મનમાં આવ્યું કે પુત્રે જે સલાહ આપી હતી તે જાણી જોઈ ગુમાનને નુકસાન કરવા આપી હતી. પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજી સલાહ આપી - તેનો અર્થ શો નીકળે ? પ્રીતિ અને વિશ્વાસ ખોટામાંથી સારો અર્થ શોધાવે; અપ્રીતિ અને અવિશ્વાસ સારા હેતુમાં ખોટાનું ભાન કરાવે.

એક દિવસ ભોજન કરી બપોરે પિતા અને પુત્ર બે ઘોડાની 'ફાઈટન' માં બેસી 'આફીસ' માં ચાલ્યા. નીકળતાં પહેલાં ગુમાને શેઠને તૈયાર કરી મુક્યા હતા. ડોશીના દ્રવ્યની વ્યવસ્થા, પુત્રની વહુ અને સાસરીયાંની સત્તા, અને આજ જ બજારભાવમાં ઉથલપાથલથી થયેલા વિચાર; એ સર્વેયે શેઠનું ચિત્ત ઉકાળ્યું હતું અને તેમાં ગુમાને પુષ્કળ સંભાર ભર્યો હતો. ઘર છોડી ગાડી જરાક ચાલી એટલે શેઠે વાત ઉપાડી.

"ભાઈ બજા૨ ભાવ જાણ્યા"

“હા જી, સારા ભાવ છે.” પોતાને થયલો લાભ પિતાને પુત્રે ઉત્સાહથી જણાવ્યો.

“નોટ તો બેશી ગઈ છે.”

“હા જી. પણ આ તોફાન બંધ થશે એટલે ઠેકાણે આવશે.”

“ને રશિયાવાળો આવશે તો?”

પુત્ર હશ્યો. “પિતાજી, વાર લાગશે એમ થતાં.”

“ત્હારી નોટો તો ત્હેં વેચી દીધી."

" હા જી."

“ઠીક” - શેઠ પુત્ર સામું જોઈ રહ્યા. ઝાઝી વાર મનમાં ઉભરો રહી શકયો નહી અને પુત્રે વાત ટુંકી કરી એટલે નિત્ય સ્વભાવ ભુલી શેઠે ઉભરા ક્‌હાડવા માંડ્યા.

"ભાઈ, હું બહુ દીલગીર છું ત્હારી બાબતમાં. મ્હારે તને કાંઈ ક્‌હેવું પડશે."

આ અપૂર્વ અને અતર્કિત મંગળાચરણ સાંભળી પુત્ર વિસ્મય પામ્યો.

“હા જી, આપ મને નહી કહો તો બીજું કોણ ક્‌હેશે ?”