પિતા પાસે ધૂર્તલાલને લેઈ ગયો અને ધૂર્તલાલને મ્હોડે જ પિતાની ફરી ગયેલી વૃત્તિને અનુકૂળ સંતોષ આપે એવો ઉત્તર દેવડાવ્યો, બીજે દિવસે અાફીસમાં જઈ પોતાના હાથમા જે જે વસ્તુઓ હતી તે પિતાને દેખાડી. શેઠને કાંઈક અનુકુળ નવાઈ લાગી અને પુછયું કે આ બધી શી ગરબડ છે ? પુત્રે ઉત્તર દીધો કે “કાંઈ નહીં, સહજ જ.” સાંઝે પિતાની સાથે ઘેર ગયો અને “હું આજ વાલુકેશ્વર બંગલે ખાવાનો તેમ જ સુવાનો છું ” કહી નીકળ્યો. ઘરમાં નિત્યના જેવો માણસોનો તથા કામનો ગરબડાટ હતો તેપર ઉદાસીનવૃત્તિ થઈ ગઈ અને દીવા થતાં બે ઘોડાની ફાઈટનમાં નીકળ્યો. રસ્તે જતાં ચંદ્રકાંતને સાથે લીધો. ચેાપાટીના રસ્તાપર સમુદ્ર પરથી આવતી ભીની ઉત્સાહક પવનની લ્હેરોથી તે શાંત થયો નહી. પાસેના કાળા ડુંગરો ઉપર દ્રષ્ટિ કરતાં અદ્દભુત વૃત્તિ તેણે અનુભવી નહીં. મિત્રની સાથે આખો રસ્તો વટાવતા સુધી કાંઈ બોલ્યો નહી. ટેકરી પર ધીમે ધીમે ઘોડા ગાડીને જોરથી ખેંચતા ચ્હડતા હતા. વખતે કોણ જાણે અકસ્માત કે કોણ જાણે કાંઈ કારણથી શિથિળ થયેલો સરસ્વતીચંદ્ર મિત્રના શરીર પર પડી ચમક્યો હોય તેમ સજજ થયો. રસ્તે ચાલતા હવા ખાતા ચિત્રરંગી લોકવર્ગ ઉપર, ગાડીઘોડાઓ ઉપર, હાડકાંના ભાગલા શેઠીયાઓ ઉપર, સંસારનાં નિ:સ્પૃહી આનંદી બાલકો ઉપર, પત્થરોપર બેઠેલી મિત્રતા ઉપર, ન્હાની ગુટકો ઝાલી બડબડી બંદગી કરતા ઘડીક પવિત્ર થતા પારસીઓ ઉપર, ઘોડા દેાડાવતાં પરપ્રમત્ત યુરોપિયન દમ્પતીયો ઉપર; કશા ઉપર સરસ્વતીચંદ્રે દ્રષ્ટિપાત કર્યો નહી. કોલાબાની દીવાદાંડી અને વાલુકેશ્વરની અણીની વચ્ચે . આથમતા ગરીબડા સૂર્યને કાંઈ પુછતો હોય, ફીણ ઉરાડતા ગર્જતા અનાદિ લાગતા સમુદ્રપર છેટે કોઈ પ્રદેશ જોતો હોય, વિશાળ આકાશમાં ઉતરતા અંધકારને માપી લેવા ઇચ્છતો હોય, તેવો તે દેખાતો હતો. એમ કરતાં કરતાં બંગલો આવ્યો, પાણીદાર ઘોડા ખોંખારા કરતા અંદર વળ્યા, ચાબુક વીંઝાતી બંધ થઈ વાડીમાંની લીલોતરી અાંખનો સત્કાર કરવા યત્ન કરવા લાગી, ગાડીનાં ચક્ર નીચે કચરાતી હતી તે કઠણ ન્હાની કાંકરી ગાડીમાં બેસનારના અભિમાન અને પ્રમાદને ભેદી તેના કાનમાં ફરીયાદીનો શબ્દ મોકલવા માંડી, એટલામાં ગાડી દ્વારમાં પગથીયાં અાગળ અાવી ઉભી અને બેસનાર ઉતર્યા. તરત જ નવા કરાવેલા ખંડમાં ગયા. સામી કુમુદસુંદરીની છવિ હતી. ચદ્રકાંતને ખભે હાથ મુકી સરસ્વતીચંદ્ર ઘડીક તે છવિ જોઈ ૨હ્યો, છવિની પાસ ગયો, પાછો આવી મિત્રને ગળે બાઝી એક કીનખાબી ગાદીવાળા કોચપર જોરથી તેને બેસાડ્યો અને તેના ખભા ઉપર માથું મુકી ન્હાના બાળક પેઠે રોયો ! રોયો નહી પણ રોયો !
પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૬
Appearance