લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૪૦

" હવે જાણ્યા, જાણ્યા ત્હારા વિચાર. દેશહિત, લોકહિત, અને આત્મહિત ત્રણે વાનાં દ્રવ્ય વિના સિદ્ધ થઈ શકે છે. પછી આપણામાં જ ખામી હોય તો કોઈ શું કરે ? ”

“ત્યારે તમે ધર્માસન આગળ ધંધો કરો. તમને ક્યાં અનુકૂળતા નથી?”

“મૂર્ખ, તને ખબર નથી કે તેનો પ્રથમથી જ મને તિરસ્કાર છે ? શું ઉદરનિમિત્તે હું અણગમતા સંસારમાં ઝબકોળાઈશ ? ”

“ત્યારે વ્યવહારનો પુરુષાર્થ શો ? ” .

“ ચંદ્રકાંત, હવે બસ કર. મ્હારે અા વાદવિવાદ નથી જોઈતો.”

" તો વગરધંધે તમે ક્યાં રહી શકો નહીં એમ છે ? એક લાખ રુપીઅા તમારા છે - લાખ રુપીઅા ડોશી આપી ગયાં છે.”

સરસ્વતીચંદ્ર ચમક્યો, ચંદ્રકાંતે ડોશીના સર્વ સમાચાર કહ્યા. સરસ્વતીચંદ્ર નારાજ થયો. પણ હવે ઉપાય ન રહ્યો. કુમુદસુંદરીનું દ્રવ્ય કોઈને આપવા તેને અધિકાર ન હતો.

“ચંદ્રકાંત એનું ગમે તે થાય. મ્હારે તો દ્રવ્ય જ નથી જોઈતું.” -

“તમે તો ઘેલા છો. તમારું દ્રવ્ય-તમે જુદા ર્‌હો પિતાથી. સંતોષમાં વસો, વિદ્યા વધારો, પરમાર્થ કરો, અને કુમુદસુંદરીને આનંદ આપો"

“પણ હું પિતાથી જુદા તો ન રહું. વળી વિચાર કે આ દ્રવ્ય જોઈ વિદ્યાચતુરે સંબંધ બાંધ્યો હશે. તેને કેવું થશે ? તેનાથી વિવાહ ફોક પણ નહી થાય.”

“હવે કાંઈ પરમેશ્વરને પાડે હતા તેવા શાણા, થાઓ. તેણે તમને જ જોયા છે - બીજું કાંઈ નથી જોયું.”

“પણ ચંદ્રકાંત, રંક અવસ્થાનાં સુખદુ:ખ, ગ્રહોના જેવી! નિરાધાર સ્થિતિ, સંસારના ધક્કા, નિર્ધનતાના અંધકારમાં ઢંકાયલાં ૨ત્ન, અવિદ્યાના પ્રદેશ અને એવું એવું ઘણુંક જોવાનો મ્હારો અભિલાષ છે અને આ અનુકૂળતા થઈ ગઈ છે.”

"પણ લોક શું ક્‌હેશે ?”

“ મૂઢ, અપકીર્તિ મને ભયંકર નથી. કીર્તિ અપકીર્તિ એ જુઠાં ત્રાજવાં છે, ઉંઘતાંનાં સ્વપ્ન છે, સ્વપ્નનાં સત્ત્વ છે, એ ગ્રાહ્ય પણ નથી, હેય પણ નથી. ?”

"વારું, કુમુદસુંદરીનો વિચાર કર્યો ?"