"એનો વિચાર ઈશ્વરને સોંપું છું. ટુંકા પ્રસંગથી ઉત્પન્ન થયેલો સ્નેહ
ટુંકા સમયમાં શાંત થશે. કોઈ સારો વર મળશે એટલે મને ભુલી જશે.”
“તમે ભુલ કરો છો. એ મુગ્ધાને તમે હાનિ પ્હોંચાડી તો અત્યંત પસ્તાશો અને ઈશ્વરના અપરાધી થશો. તમારા ચિત્તમાંથી પણ એ ખસનાર નથી.”
"મ્હારા ચિત્તની વાત હું વધારે જાણું.”
“તે જાણતા હો ત્યારે જોઈએ શું ? તમે તો માત્ર ઘેલા ઘેલા અભિલાષ કરી જાણો છો અને બીજા મનમાં ડાબી રાખે તેને બ્હાર ક્હાડી અનુભવમાં અાણવા ઈચ્છો છો. એ મૂર્ખતાનું લક્ષણ.”
“તું બહુ બોલે છે હાં !”
“હું તો બોલું છું પણ તમે બોળવા ઉભા થાવ એવા છો. બારિસ્ટર બન્યા, આટલી કીર્તિ મેળવી, આવો સ્નેહ બાંધ્યો, આટલા શ્રીમંત અને વિદ્યાવાન થયા – તે આ વિચાર તો કરો કે શું કરવા ધારો છો ! આ તો મૂર્ખતમ. બીજો કોઈ બારિસ્ટર આ દશામાં પડ્યો હોય; અને તમે તેને જોઈ શું ક્હો તે કલ્પો તો ખરા !”
"ત્યારે હું શું કરું ?"
“જે જે શક્તિ અને સુંદરતા તમારામાં છે તેનો સારો જયવંત ઉપયોગ કરો, એ જ ! આમ જોગી જેવા બાયલા બની સંસાર દુસ્તર છે માટે તરવું નહીં એવો વિચાર ન કરો; પાછળ અમને શું થશે તે વિચારજો.”
સરસ્વતીચંદ્ર ઉંડા વિચારમાં પડ્યો. બેઠો હતો તે કોચ ઉપર માથું ઢાળી દીધું અને અર્ધ મીંચેલી અાંખો ઘડી શૂન્ય થઈ થોડીક વાર ચંદ્રકાંતને ખભે હાથ મુકી દયામણે પણ ધીર ગંભીર અને શાંત સ્વરે બોલવા લાગ્યોઃ– “ ચંદ્રકાંત ! પ્રિય ચંદ્રકાંત ! ત્હારી મિત્રતાનો બદલો હું વાળી શકવાનો નથી. ધર્માધિકારીયો છેલ્લો અભિપ્રાય બાંધતાં પ્હેલાં પક્ષવાદ સાંભળે છે. પણ મનુષ્યના ગાંડા ઘેલા ઉતાવળા અભિપ્રાય પ્રવાહી મટી સ્થૂળઘન નિશ્ચયરૂપ થઈ જાય છે અને તે એકાંતમાં જ થાય છે તેનો પક્ષવાદ કરનાર મિત્ર વિરલ જ હોય છે. ત્હેં મને ઘણું કહ્યું છે, પ્રતિકૂળ પણ હિત કહ્યું છે, પણ મ્હારી વાત મ્હારા ચિત્તમાંથી ખસતી નથી.”
“ પ્રિય કુમુદ – નિર્મળ કુમુદ – એને વાસ્તે જે વચન હું સાંભળી રહ્યો – તે ખરેખર મ્હારી શક્તિ ઉપરાંતનું કામ મ્હેં કર્યું છે. ગમ ખાધી. પણ મ્હારા અંતઃકરણમાં જે ઉંડો ઘા એ વચનથી પડ્યો છે તે રુઝતો નથી - ખમાતો નથી.”