પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨

“ પિતાપ્રતિ મ્હારો ધર્મ હું જાણું છું. પણ તે ધર્મને શરણ થઈ પત્ની- પર જુલમ કરવો એ મ્હારો ધર્મ છે એમ મ્હારાથી કદી પણ સમજાય એમ નથી. પત્ની પોતાનાં માતાપિતાપ્રતિ પોતાના ધર્મના કરતાં પત્નીધર્મને કેવળ વશ થાય છે; અને માતા પિતા ખરાં – પણ 'પતિ પ્‍હેલો' એ શાસ્ત્રશાસનને સ્વીકારે છે. પતિનો પતિધર્મ શું જુદી જાતનો છે ? જો કોઈ પણ શાસ્ત્ર એમ ગણતું હોય કે માતાપિતાનો મીજાજ જાળવવા પત્નીપર જુલમ કરવો - તેને અશરણ કરી દેવી – તો તે શાસ્ત્ર મ્હારે માન્ય નથી. એક અાંખે માતાપિતા જોવાં અને બીજી અાંખે પત્ની જોવી – અથવા તો એની એ બે અાંખોયે બેને જોવાં એ પતિધર્મ હું માન્ય ગણું છું.

“प्रेयो मित्रं बन्धुता वा समग्रा
"सर्वे कामा: शेवधिर्जीवितं च
"स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसाम् ॥ [૧]

"આ ઉત્તમ વચન મ્હારે માન્ય છે. પરણ્યા પછી સ્ત્રીને લેખામાં ન ગણે, તેને નિરાધાર બનતી જોઈ બળે નહી, અને કેવળ અમારી આજ્ઞામાં જ ર્‌હે એવો પુત્ર ઈચ્છનાર પિતાએ પુત્રને પરણાવવો જ નહી એ ઉત્તમ છે. હું એવો પુત્ર હઉં એમ જોવા પિતા ઈચ્છે છે તે લગ્ન પ્‍હેલાં મ્હેં જાણી લીધું તે હું મ્હારું મ્હોટું ભાગ્ય સમજું છું. લગ્ન પછી જાણ્યું હત તો હું એમની ઈચ્છા પુરી ન પાડી શકત અને તેથી એમને અને મને ઉભયને નિરુપાય ખેદ થાત.”

“લગ્નથી મ્હારે અને કુમુદને સગપણ થાય, પણ પિતાને શું ? પિતાને મન હું પુત્ર, પણ કુમુદ એમને મન શા લેખામાં ! ચંદ્રકાંત ! અા કારણનું કાર્ય અસહ્ય થાય તે જોવા હું ઈચ્છતો નથી. કુમુદ મ્હારા ચિત્તમાંથી ખસવાની નથી – એના હૃદયનું લાવણ્ય મ્હારા મસ્તિકને ઘેલું બનાવી મુકે છે તેમ જ સદૈવ બનાવશે: એનાથી છુટાં પડતાં મને અસહ્ય વેદના થશે તે સારી રીતે જાણું છું. કુમુદને પણ વેદના થશે. પણ મ્હારે મન પિતા ખરા અને તે ખરા જ ર્‌હે એટલા માટે હું લગ્નપ્રસંગ નહી આવવા દઉં, પિતાને ખાતર હું દુ:ખ સહીશ, બીજાને પરણી કુમુદ મને કાળક્રમે ભુલશે. મને પરણી આ કુટુંબમાં અાવી તે સુખી નહી થાય, તેને કોઈ નીરાંતે બેસવા નહી દે - માટે...”


  1. ૧. સ્ત્રીને મન પતિ, અને પતિને મન ધર્મદારા પરસ્પરના અતિપ્રિયમિત્ર, સગામાં સગાં સર્વ ઇચ્છારૂપ, ઉત્તર દ્રવ્યના ભંડારરૂપ અને (બીજુંતો પછી પણ) જીવિતરૂપ છે.–માલતી માધવ.