મ્હારો શોધ કરીશ નહી. ગંગાભાભીને આશ્વાસન આપજે – હું
તેમને ભુલી શકનાર નથી.
- ૨હી ઓછુંવત્તું વિષય સઉ જાશે તજી મને,
- તજું હું તેને તો, પ્રિય સુહૃદ, ના દોષ કંઈ એ.[૧]
- જશે મેળે જયોત્સના ઉડ્ડુગણ જશે, રાત્રિય જશે,
- કલેન્દુ[૨] સાંઝે એ નીરખી ઉગતાં આથમી જતો.
સ્નેહથી બંધાયલો તું મને છુટવા ન દેત જાણી સાહસ કરી છુંટું છું.
ઉંડો નિઃશ્વાસ મુકી, કપાળે હાથ દઈ, વ્હીલો પડી જઈ, ચંદ્રકાંત
લક્ષ્મીનંદનપરનો કાગળ વાંચવા લાગ્યો.
“ પ્રિય પિતાજી,
આપને સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી તે છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માગતાં પુત્ર નિરાશ નહી થાય.?
ધૂર્તલાલને સૂત્રયંત્રનું સર્વ કામ આપની ઈચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ આપને બતાવી દીધા છે.
બ્રહ્માને ઘેર કોઈની ખોટ નથી. મ્હારી ખોટ પડવાનું અાપને કારણ નથી. ધનભાઈથી આપને સર્વ સંતોષનું કારણ મળે એ ઈશ્વરપ્રાર્થના છે. અાપનું સમસ્ત દ્રવ્ય તેના ક૯યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો. અાપને હું કોઈ પ્રસંગે સાંભરી આવીશ તો એ જ મ્હારે મન દ્રવ્ય છે.
મ્હારે માનસિક વૈરાગ્ય લેવામાં આપની ચિત્તવૃત્તિ પ્રતિકૂળ નહી થાય એવો નિશ્ચય થવાથી હું તે સ્વીકારું છું અને સંસાર-સાગરને અદ્રશ્ય તળીયે જઈ બેસું છું. સંન્યસ્તારંભે કોઈને જણાવવાની જરુર નથી લાગતી. જનાર 'જાઉ છું' ક્હેવા ર્હે એમ હોતું નથી. ગુમાનબાને આજ સુધીમાં હું નિર્દોષ છતાં મ્હારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો.
મ્હારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું ર્હેશે. મ્હારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં અાપ છેતરાયા એ શલ્ય અાપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિતતા હવે અમર રહો !”