લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬


“પિતાજી, હવે મ્હારી ચિંતા કરશો નહીં, મ્હારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું વ્હેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. - ચંદ્રબા ગઈ તેમ હું જાઉ છું. એ એક દિશામાં ગઈ. હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો

“ સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?    ૧
“ જગતમાં કંઈ પડ્યા જીવ,
“ દુખી કંઈ, ને સુખી કંઈક !     ૨
“ સઉ એવા તણે કાજે
“ ન રોતા પાર કંઈ આવે !      ૩
“ કંઈ એવા તણે કાજે,
“ પિતાજી, રોવું તે શાને ?      ૪
“ હું જેવા કંઈ તણે કાજે,
“ પિતાજી રોવું તે શાને ?     ૫
“ નહી જોવું ! નહીં રોવું !
“ અફળ આંસું ન ક્યમ લ્હોવું ?     ૬
“ ભુલી જઈને જનારાને,
" રહેલું ન નંદવું શાને ?     ૭
" સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?      ૮

પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને ક્‌હેજો.”

“ લા. હવે તો આપના ચિત્તમાંથી પણ
“–આપને સુખી કરવા સારુ જ – ખસી જવા ઈચ્છનાર
     “ સરસ્વતીચંદ્ર"







બે કાગળો વાંચી શોક-સાગરમાં પડી, માથે હાથ દઈ ચંદ્રકાંત સમુદ્રતટ પરના એક પત્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે “ જા અને ત્હારા મ્હોટા શેઠને ખબર કર કે ભાઈ તો ગયા.”