પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭

ગાડીવાળો ચમક્યો: “ હેં ક્યાં ગયા ?”

“તે તો કોણ જાણે. જા, જઈને ક્‌હે કે કંઈક પરગામ ગયાં.”

“કાગળમાં શું લખ્યું છે ?”

“એ જ.” ગાડીવાળે વિચારમાં પડી ઘોડાની લગામ લીધી અને ગાડી સાથે ચર્નીરોડ સ્ટેશન આગળનાં ઝાડો પાછળ અદૃશ્ય થઈ ગયો. ચંદ્રકાંત ઉઠ્યો, ભાડાની ગાડીમાં બેસી સ્ટેશન પર જઈ પોતે તપાસ કરી, પણ કોઈએ પત્તો ન આપ્યો. સ્ટેશન માસ્ટર્, ટીકૅટ માસ્ટર્, સર્વે એની આસપાસ ગુંચળું વળી ભરાયા, મેલ અને પેસેંજર ટ્રેનની ટીકૅટોની જાવક જોઈ પણ કાંઈ સમજાયું નહી. નિરાશ બની ચંદ્રકાંત ઘેર ગયો. ત્યાં એકલો શયનગૃહમાં બેઠો, લેખનપીઠ (ટેબલ) પર માથું મુકી અશ્રુપાત ખાળી ન શકાતાં તેને રોકવો છોડી દીધો, ગંગાને સમાચાર કહ્યા, એક દુઃખનાં બે ભાગીયાં થયાં. અને આખરે આંસુ લ્હોઈ શું કરવું તેના વિચારમાં એ પડ્યો અને ગંગા આગળ હૃદય ઉઘાડું કરવા માંડ્યું.

“શું કરું ? અ-હં-હં-હં ! ગયા જ ! સરસ્વતીચંદ્ર, આ શું સુઝયું ? શેઠના ઉપર રોષ ચ્હડે પણ મ્હારા ઉપર શું ? ગરીબ બીચારી કુમુદસુંદરીની શી વ્હલે થશે ? હું ક્યાં શોધું ? અપ્તરંગી માણસનો ભરોસો જ નહી – હેં ? ”

વાયે વાત ચલાવી અને ઘડીમાં સર્વ સમાચાર લોકવિદિત થઈ ગયા. એટલામાં લક્ષ્મીનંદનનો ગુમાસ્તો ચંદ્રકાંતને બોલાવવા આવ્યો. ચંદ્રકાંતે શેઠ ઉપરનો કાગળ ફરી વાંચી જોયો. “આપનું સમસ્ત દ્રવ્ય તેના (ધનનંદનના) ક૯યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો” એ શબ્દો જોયા. કાગળ શેઠને તરત તો ન આપવો એ વિચાર કરી ઉઠ્યો અને શેઠને ઘેર ગયો.

ગાડીવાને શેઠને સમાચાર કહ્યા તે વખતે ગુમાન અને ધૂર્તલાલ પાસે બેઠાં હતાં. સમાચાર સાંભળી ગુમાન ઝંખવાણી પડી ગઈ અને શેઠ બ્હેબાકળા બની ગયા. ધૂર્તલાલે ગુમાનના કાનમાં સૂચના કરી “જોજે, કાંઈ ગોટો વાળી ન ગયો હોય !- પાકો છે.” ગુમાનને જોર આવ્યું ને બોલી ઉઠી “ઘરમાં બધી તપાસ કરાવો.” શેઠ બોલ્યા, “ઘરમાં શાની તપાસ કરાવે - પરગામ જાય તેની ઘરમાં શી તપાસ કરાવે ?”

“જુવો, ભાઈ કાંઈ કીકલા નથી.આ તો બધાંને ડરાવવાને વેશ ક્‌હાડ્યો. કોણ જાણે ક્યાં ભરાઈ પેંઠા હશે અને આપણી પાસે શોધાશોધ કરાવી મુકશે. બે લાખ રુપીઆનો ધણી નાશી જાય નહી. ભલું હશે તો સસરાને કે વહુને મળવા ગયા હશે. પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પ્હેલી કરો. આ તો મ્હારા ભાઈને તમે ઘાલ્યો તે ક્‌હડાવાની