હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની
જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું
એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા
મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી
ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના
પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે,
એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના
માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં
રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું
કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્હાડી શકતું નહી. તેની ગતિ
કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ
તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં,
માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું
એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ
વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય
નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું
કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી,
શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા
ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે
જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો
એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે
સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી.
અલકકિશોરી ગમે તેવી પણ બાળક હતી; રંક અવસ્થા તેણે દીઠી ન હતી; પોતાનું ધાર્યું કર્યું જ સમજતી; પોતાને હમેશ ફાવેલી જ જોતી; હુકમ કર્યો જ સમજતી; મન માન્યું અમલમાં આવ્યું જ જોતી; ચારે પાસેથી વખાણ જ સાંભળતી. અમાત્યના ઉદય કરતાં તેનું વય મ્હોટું ન હતું; વયમાં, જ્ઞાનમાં, અનુભવમાં, જાતિમાં અને સુંદરતામાં, પોતાનાથી ચ્હડીયાતાં માણસોને પોતાથી ડબાયલાં ર્હેતાં અનુભવતી; ખરૂં શું છે તે તેને કોઈ સંભળાવતું ન હતું; ખોટું શું છે તે તેની આગળ ફહેવા કોઈની હીંમત ચાલતી નહોતી; હિત અહિત શામાં છે તે તેને ક્હેવાની કોઈને ગરજ ન હતી; ભૂતકાળની વાત સંભળાવી તેને કંટાળો આપવો એ સઉના સ્વાર્થવિરુદ્ધ હતું; ભવિષ્યકાળની સાચી