પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩

અને એ સર્વે છતાં “એણે આમ કરવું જોઈતું ન હતું ” એવું કહેવામાં આશંકા બેમાંથી એકેયે ન ધરી. વિદ્યાચતુરે કહ્યું: “ ચંદ્રકાંત, મ્હારે ક્‌હેવું જોઈએ કે આપણી ઈંગ્રેજી વિદ્યામાં એક જાતનો દોષ છે અને તે એ કે માણસની વિચારશક્તિને તે ઉદ્ધત બનાવી મુકે છે. અા ગુણ અાખી પાશ્વાત્ય[૧]વિદ્યાનો છે એમ કહીયે તો પણ ચાલે. અસંતુષ્ટવૃત્તિ સર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિનું મૂળ છે, તે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે, વધારે છે, અને દ્રષ્ટિમર્યાદાના જેવી કુળપરંપરા દેખાડે છે. એ વૃત્તિથી માણસ ફળ પ્રાસ કરવા ઉતાવળું બને છે અને અધીરું થાય છે. સ્વાભાવિક માર્ગે ફળ મેળવતાં વાર લાગે છે તે અા વૃતિને પ્રતિકૂળ થાય છે. એક જ ફળ શોધી બેસી ર્‌હેવાનું નહી, પણ ફળ ઉપર ફળ ખોળ્યાં કરવાનાં અને તે પણ આટલી ઉતાવળથી એટલે આ વૃત્તિવાળાં મન સટોરીયા જેવી પ્રકૃતિવાળાં થઈ જાય છે. ભૂતકાળનો અનુભવ શોધ્યા વિના, વર્તમાન સ્થિતિ જોયા વિના, આતુર મન ભવિષ્ય શોધવા નીકળે છે અને સાધન વિના ફળ ઈચ્છે છે ! વર્તમાનથી અસંતુષ્ટ ચિત્ત દ્રષ્ટિ આગળ અકસ્માત્ ઉડતું ભવિષ્ય ઝડપે છે અને એ ભવિષ્યની પાછળ ઉભેલું ભવિષ્ય દ્રષ્ટિયે અચિંત્યું પડતાં કંપારી ખાય છે. સરસ્વતીચંદ્ર આનું એક દ્રષ્ટાંત છે. જુવો એમનો જગત છોડી જગત જોવાનો રસ્તો ! જુવો એમનો દ્રવ્ય છોડી પરાર્થ કરવાનો રસ્તો ! તેની અવસ્થા અત્યારે કેવી દયાપાત્ર થઈ હશે તે જોશો ત્યારે મ્હારું કહ્યું સિદ્ધ થશે.”

“આજ કાલના જુવાનો સહનશીલતાને દાસત્વ ગણે છે, પરવિચારને વશ થવામાં શૌર્યહીનતા ગણે છે, પોતાના તરંગ પ્રમાણે જ ચાલવાની સ્વતંત્રતા શોધે છે, મનની વાત બહાર ક્‌હાડવામાં અને સાકાર કરવામાં વીરત્વ માને છે, અનુભવને હસે છે, નિવૃત્તિને ધિક્કારે છે, અને વૃદ્ધાચારને ક્ષુદ્ર કલ્પે છે. ઘણાક પિતાઓ લક્ષ્મીનંદન પેઠે બોલતા હશે, પણ તેટલાં ઉપરથી આ પ્રમાણે કરનાર તે તમારા મિત્રને જ દીઠા. ખરેખર, મૂર્ખમાં મૂર્ખ માણસો વચ્ચે ચાસ ચસાય નહી એમ રાખી તીખા, અભિમાની, અને દુષ્ટ ઉપરીના હાથ નીચે બે વર્ષ નોકરી કરવી પડે, દુષ્ટ વચન સાંખવા પડે, અને ટુંકામાં દાસત્વનો અનુભવ થાય તો જ તમારાં મુંબઈગરાં માણસો ઠેકાણે આવે ! આવા દાસત્વમાં કાંઈ દોષ નથી એમ નથી પણ પારકાં માણસોને, અનુભવને, અને સ્થિતિને વશ કેમ ર્‌હેવું – પોતાના મનની વૃત્તિને પરવશ કેમ રાખવી – એ શીખવું પણ આવશ્યક છે.”


  1. ૧. પશ્ચિમ દેશોની.