સારું તમે આટલું ખમો છો - એક સમયે આવો સંબંધ હતો”- એમ વિચાર કરતી કરતી પાછી કાગળ વાંચવા લાગી. પ્રેમબંધનની જાળમાં ચિત્તવૃત્તિ સરસ્વતીચંદ્ર પાછળ કરોળીઆ પેઠે દોડંદેાડા કરવા લાગી, આંસુ ખાળ્યાં રહ્યાં નહીઃ ટપક ટપક થવા લાગ્યાં, અને પત્ર અર્ધો ભીંનો થયો. આખરે ટેબલ પર માથું મુકી પુષ્કળ રોઈ.
કુસુમસુંદરીના કાગળનો અંતભાગ આવ્યો અને ત્યાં આગળ તેણે સમાચાર લખ્યા હતા કે ચંદ્રકાંત સરસ્વતીચંદ્રનો શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનો કાગળ લેઈ આવે છે. ગુણસુંદરી (કુસુમસુંદરીની મા) લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જનાર છે અને તે પ્રસંગે “તને તેડવા મોકલશે માટે ત્હારે સઉની રજા લઈ તૈયાર થઈ રહેવું” એ સમાચાર પણ આ કાગળમાં હતા. ઉભય સમાચારથી બાળકીના મનમાં કંઈ કંઈ વિચાર થવા લાગ્યા અને વિચારે આંસુ વિસરાવ્યાં.
ચંદ્રકાંતે નવીનચંદ્ર ઉપર કાગળ લખ્યો હતો તે વિચિત્ર હતો, ઈંગ્રેજીમાં હતો:
- "દુ:ખી સંસાર: તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ.”
- “પ્રિય ચંદ્ર,
- “ત્હારે તે ચંદ્રકાંત વિના ચાલે છે પણ ચંદ્રકાંતને ત્હારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મુકી ચંદ્ર પ્રતિલોમ[૧] દેશમાં સંતાઈ જાય તોપણ કંઈ કંઈ ક્રિયાદ્વારા ચંદ્ર જણાઈ જાય છે. મ્હેં ત્હારો અપરાધ કર્યો ન હતો – મ્હારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. ત્હારી પ્રામાણિકતા કેટલી જળવાઈ તે પણ જોવાનું છે – ૨ાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું ? ઈશ્વરેચ્છા. પણ હજીયે કંઈ કરતાં કૃપા કર. દર્શનનો – પત્રનો – કાંઈ માર્ગ ક્હાડ. ભાગ્યની સાથે મ્હારે ઘણી લ્હડાઈઓ થઈ છે અને તેમાં મને જીતાડનાર તું જ હતો. પણ હવે તો હરાવનાર તું બન્યો.”
- “ત્હારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય.”
- 'त्वया सह न य * * * दिवसः स विध्वंसताम्
- प्रमोदमृगतृष्णिकां धिगपरत्र या मानुषे ॥
- "એ મકરન્દની દશા ઉપરથી મ્હારી દશા કલ્પજે – અરરરર ! નિર્દય–તે બધાંની સાથે નિર્દય !"
- ↑ ૧વિપરીત ભૂગોળાર્ધ. The Antipodes.