બતાવી અને અલકકિશોરીએ સઉની આગળ તે ગાઈ બતાવાની આજ્ઞા કરી. “ભણેલી ભાભીને તે ગમે તો જ તે ગરબી ખરી” કરી કુમુદસુંદરીને બોલાવી હતી. કુમુદસુંદરી આવી કે સઉ ખસી ગયાં અને તેને માર્ગ આપ્યો. પાટ ઉપર વચ્ચોવચ નાજુક કુમુદસુંદરી બેઠી અને ગરબીવાળો કાગળ લીધો. તેને એક ખભે હાથ મુકી જાજરમાન અલકકિશોરી અને બીજે ખભે હાથ મુકી ફળજિજ્ઞાસુ વનલીલા બેઠી અને ત્રણે જણની આંખો કુમુદસુંદરીના હાથમાંના કાગળમાં નદીયો પેંઠે સંગત થઈ. સર્વ સખીયોનું ટોળું આસપાસ પાટ ઉપર તથા નીચે ગુંચળું વળી ભરાયું, સૌભાગ્યદેવી અને જમના પતિયોવાળા પાટલા ઉપર બેસી તેમના ભણી આંખકાન માંડી રહ્યાં, રસોઈયો પણ પળવાર ઉમરા ઉપર હાથમાં થાળી લઈ અર્ધો વળેલો ઉચું જોઈ રહ્યો. ત્રણેનું ગાન ઘણે જ ઝીણે અને ધીમે પણ કોમળ સ્વરે કિન્નરકંઠોમાંથી નીકળવા લાગ્યું :
“ ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે ?
“પ્રભુ પુંરે જેવું તેલ તેવા દીપ બળશે રે. ૧
“વહી ગયા તે દુઃખના દિન, સુખના આવ્યા રે;
“ દીન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે !
“ફાવ્યો શઠ તે અંતે નહી જ, છક્કડ ખાધી રે;
“બુદ્ધિબળમાં[૧] મ્હાત, અધર્મ ! તુજને આપી રે. ૩
“રુડો સુવર્ણપુરનો રાજ નીવડ્યો જાગતો રે;
“એનો જુગ જુગ તપજો પ્રતાપ, અમોને છાજ્જોરે. ૪.
“વનલીલા કહે જોડી હાથ – ઓ દીનબંધુ રે !
ગવાઈ ર્હેતા સુધી સર્વ શાંત એકચિત્ત હતાં. ગવાઈ રહ્યું કે સઉની આંખો કુસુદસુંદરી પર વળી. 'ઠીક જોડાયું છે' એટલા શબ્દ આનંદભર સુંદરીના મુખમાંથી નીકળતાં સર્વ ઉઠ્યાં, વાતો કરતાં કરતાં પાટલા ભણી ગયાં. એકે 'કડીયો ઠીક બેસતી આાવી છે,' કહ્યું, બીજી બોલી 'ના, અર્થ પણ જુગતે જુગતો છે,' એક જણી વનલીલા પાસે જઈ પુછવા લાગી – 'અલી – બુદ્ધિબળમાં મ્હાત આપી – એ કડીનો અર્થ શો ?' વનલીલા ચારે પાસ ઉત્સાહભેર ખેંચાવા લાગી, અને આખરે અલકકિશોરીએ એને ગળે બાઝી ખેંચી લઈ જઈ પોતાની જોડના પાટલા ઉપર બેસાડી પાટ